ગાંધીનગર મ્યુનિના 44 કોર્પોરેટરો તાલીમના નામે કાશ્મીરની સહેલગાહે જશે
- કોર્પોરેટોના કાશ્મીર પ્રવાસથી મ્યુનિની તિજોરી પર 30 લાખનું ભારણ આવશે
- કોર્પોરેટરો 15થી 20 માર્ચ દરમિયાન કાશ્મીરના પ્રવાસે જશે
- વડોદરાની સંસ્થા કોર્પોરેટરોને કાશ્મીરમાં તાલીમ આપશે
ગાંધીનગરઃ શહેરના મ્યુનિ. કોર્પોરેટરો તાલીમના નામે પ્રજાના પૈસે કાશ્મીરની સહેલગાહે જશે. 44 કોર્પોરેટરોના કાશ્મીર પ્રવાસ પાછળ મ્યુનિ. કોર્પોરેશન 30 લાખનો ખર્ચ કરશે. મ્યુનિ.ની સ્ટેન્ડિંગ કમિટીએ કોર્પોરેટરોના કાશ્મીર પ્રવાસને મંજુરી આપી દીધી છે. તમામ કોર્પોરેટરો વિમાન દ્વારા કાશ્મીર પહોંચશે, વડોદરાની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટને તાલિમ કાર્યક્રમનું આયોજન કરવા માટે મેયર દ્વારા પત્ર લખીને જણાવવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે આ સંસ્થા દ્વારા 15થી 20 માર્ચ દરમિયાન જમ્મુ- કાશ્મિર ખાતે તાલિમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનના કોર્પોરેટરો દ્વારા તાલિમના નામે માર્ચ મહિનામાં કાશ્મીરના પ્રવાસે જશે. આ તમામ કોર્પોરેટરોના આવવા જવા તેમજ રહેવા- જમવા સહિતની સુવિધાનો ખર્ચ મ્યુનિની તિજોરીમાંથી કરવામાં આવશે. સ્થાયી સમિતિ દ્વારા આ તાલિમ તથા કાશ્મિર પ્રવાસના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. મ્યુનિના કોર્પોરેટરો દ્વારા સમયાંતરે તાલિમ અથવા વિવિધ પ્રોજેક્ટના અભ્યાસ માટે દેશભરના વિવિધ રાજ્યોની મુલાકાતો ગોઠવાતી હોય છે. આ વખતે કાશ્મિર પર પસંદગી ઉતારવામાં આવી છે. તાલિમના નામે કોર્પોરેટરો કાશ્મીરની સહેલગાહે જશે. મ્યુનિની તિજોરી પર આ પ્રવાસને કારણે 30 લાખ રૂપિયાના ખર્ચનું ભારણ આવશે.
ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સત્તાવાર તાલિમના નામે પ્રવાસના આયોજન થતા હોય છે. વડોદરાની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટને તાલિમ કાર્યક્રમનું આયોજન કરવા માટે મેયર દ્વારા પત્ર લખીને જણાવવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે આ સંસ્થા દ્વારા 15થી 20 માર્ચ દરમિયાન જમ્મુ- કાશ્મિર ખાતે તાલિમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ સંસ્થાના તજજ્ઞો દ્વારા તાલિમ આપવામાં આવશે. અને વિવિધ વિષયો અંગે કોર્પોરેટરોને માર્ગદર્શન આપવામાં આવશે. સંસ્થા દ્વારા તમામ કોર્પોરેટરોને તાલિમ ઉપરાંત વિવિધ વિષયોની કિટ પણ આપવામાં આવશે. તાલિમનો અને કોર્પોરેટરોના આવવા- જવાનો, હોટેલમાં રહેવાનો- જમવાનો તમામ ખર્ચ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઉઠાવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે તાલિમના નામે દર વખતે કોર્પોરેટરો દ્વારા આ પ્રકારના પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. આ પ્રવાસમાં અનેક કોર્પોરેટરો પરિવારના સભ્યોને પણ લઇ જતા હોય છે. પરંતુ મહત્વની વાત એ છે કે કોર્પોરેટરોની તાલિમના નામે યોજાતા પ્રવાસનું ભારણ મ્યુનિની તિજોરી પર આવે છે અને પ્રજાના ટેક્સના પૈસાથી આ પ્રકારના પ્રવાસ યોજાય છે.
ગાંધીનગર મ્યુનિના સૂત્રોના જણાવ્યા મુજબ કોર્પોરેટરો તાલિમના નામે કાશ્મિરના પ્રવાસે જઇ રહ્યા છે. આ તાલિમનો ખર્ચ તો માત્ર 1.42 લાખ રૂપિયા છે જ્યારે કોર્પોરેટરોને આવવા- જવાની પ્લેનની ટિકીટ, લક્ઝરી હોટેલમાં રહેવાનો, જમવાનો, ફરવાનો કુલ ખર્ચ 30 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યો છે. જો તાલિમનું આયોજન ગાંધીનગર, અમદાવાદ કે તાલીમ આપતી સંસ્થા જ્યાં સ્થિત છે તે વડોદરામાં થાય તો કુલ ખર્ચના 10 ટકાથી પણ ઓછા ખર્ચમાં તાલિમ સંપન્ન થઇ જાય. પરંતુ આવું કરવાને બદલે છેક કાશ્મિર તાલિમ લેવા જવાનો મામલે નાગરિકોમાં વિરોધ ઊઠ્યો છે.