વડોદરામાં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કારને રોકીને તલાશી લેતા 3 યુવાનો પીધેલા પકડાયા
- કારચાલકે પૂરઝડપે કાર ચલાવતા પોલીસે કારને કોરીને તલાશી લીધી
- કારમાંથી આઈસબોક્સ અને શરાબની બોટલ મળી આવી
- પોલીસે કાર સહિત મુદ્દામાલ જપ્ત કર્યો
વડોદરાઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે કેટલાક વાહનચાલકો દારૂ પીને વાહનો ચલાવતા હોવાથી પોલીસને ખાસ કરીને રાતના સમયે ચેકિંગ કરવાનો આદેશ અપાયો છે. દરમિયાન અકોટા પોલીસ સ્ટેશનની ટીમ મોડી રાત્રે પેટ્રોલિંગમાં હતી. ત્યારે ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ તરફ જવાના રોડ પર ઈનોવા કારનો ચાલક વાંકીચૂંકી કાર ચલાવતો હતો. જેથી પોલીસે કારને રોકી હતી અને આ સમયે કારમાં 4 યુવક બેઠેલા હતાં. પોલીસે કારચાલકને નીચે ઉતારીને તેની પૂછપરછ શરૂ કરી હતી. જેમાં ત્રણ યુવાનો પીધેલી હાલતમાં હોવાનું જણાતા પોલીસે કારની તલાશી લેતા કારમાંથી આઈસ બોક્સ અને દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે ચારેય યુવાનોની અટકાયત કરીને કાર કબજે લઈને વધુ તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગતો એવી છે. કે, વડોદરા શહેરમાં રેસકોર્સ ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ જવાના રસ્તે મોડી રાત્રે અકોટા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મિર્ચ મસાલા ગલીની સામેના ભાગેથી ઈનોવા કાર ફુલ સ્પીડે અને વાંકી ચૂકી આવી રહી હોવાથી પોલીસે તેને અટકાવી હતી. પોલીસે કારચાલકને તપાસતા તે દારૂ પીધેલો જણાઈ આવ્યો હતો. આ ઉપરાંત અંદર બેઠેલા તેના ત્રણ મિત્રો પણ પીધેલા મળી આવ્યા હતા. જ્યારે ડ્રાઇવર સીટ પાસેથી એક આઇસ બોક્સ મળી આવ્યું હતું. જેમાં વિદેશી શરાબની અડધી બોટલ તેમજ બિયરનું એક ટીન હતું. આ મામલે પોલીસે કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય આરોપી સામે પીધેલાનો કેસ કર્યો છે.
વડોદરા શહેરમાં ડ્રીંક એન્ડ ડ્રાઈવના બનાવો વધી રહ્યા છે. જેના લીધે અકસ્માતના બનાવો પણ બની રહ્યા છે. શહેરના કલાલી વિસ્તારમાં રાત્રે એક કાર ચાલક અને બાઇક વચ્ચે અકસ્માત થતા બાઈક ચાલકને ઈજા થઈ હતી. સ્પીડ બ્રેકર હોવા છતાં અકસ્માતનો બનાવ બનતા બંને વાહનોને નુકસાન થયું હતું ઇજાગ્રસ્તને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યારે બીજો બનાવ શહેરના કમાટીબાગ રોડ પર પણ ઉસ્માન ગની શેખ નામના બાઈક ચાલકને અડફેટમાં લઈ કાળા રંગની કાર ફૂલ સ્પીડે ફરાર થઈ જતા સયાજીગંજ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કારચાલકની શોધખોળ હાથ ધરી હતી. આ બનાવ બાદ પોલીસે રાત્રિ પેટ્રોલિંગમાં વધારો કર્યો છે.