ગાંધીનગર જિલ્લામાં રોયલ્ટી પાસ વિના જ રેતીનું વહન કરતી 4 ટ્રકો પકડાઈ
- એક મહિનામાં ખનીજ વિભાગ દ્વારા 59 કેસ કરીને 52.94 લાખનો દંડ વસુલાયો
- જિલ્લાની સાબરમતી સહિત નદીઓમાં બેરોકટોક ચાલતી રેતીની ચોરી
- જિલ્લા કલેકટરે ખનીજ વિભાગને કડક પગલાં લેવાની સુચના આપી
ગાંધીનગરઃ જિલ્લામાં ખનીજચોરી બેરોકટોક ચાલી રહી છે. સાબરમતી સહિત નદીઓમાંથી રેતીની ચોરી કરવામાં આવી રહી છે. રેતી ભરેલા ડમ્પરોની સતત દોડધામ જોવા મળી રહી છે. ત્યારે જિલ્લા કલેક્ટરની સુચના બાદ ખનીજ વિભાગ દ્વારા રેતી ભરેલા વાહનો રોકીને તેના પાસે રોયલ્ટી પાસ ન હોય તો આકરી દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. દરમિયાન રોયલ્ટીપાસ વિના જ સાદી રેતીનું વહન કરતા ચાર ટ્રકોને અલગ અલગ જગ્યાએથી ઝડપીને દંડ વસુલવામાં આવ્યો હતો.
ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદે સાદી રેતીનું વહન કરતા વાહનોને ઝડપી પાડવા જિલ્લા ખનીજ વિભાગ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગત જાન્યુઆરી-2025માં જિલ્લાના ખનીજ વિભાગ દ્વારા કુલ-59 કેસ કરીને રૂપિયા 52.94 લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો. આ અભિયાન ફેબ્રુઆરી માસમાં ચાલુ રાખતા રોયલ્ટીપાસ વિના જ સાદી રેતીનું વહન કરતા ચાર ટ્રકોને અલગ અલગ જગ્યાએથી ઝડપીને કુલ લાખો રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર જિલ્લાના માર્ગ ઉપર રોયલ્ટી પાસ વિના જ સાદી રેતીનું વહન કરતા વાહનો બેરોકટોક દોડતા હતા. ત્યારે આવા વાહનો ઉપર લગામ લાવવા માટે જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ જિલ્લા ખનીજ વિભાગને આદેશ કર્યો છે. જે અંતર્ગત જિલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા સમગ્ર જિલ્લામાં રોયલ્ટી પાસ વિના સાદી રેતીનું વહન કરતા ટ્રકોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. જેના ભાગરૂપે ગત જાન્યુઆરી-2025 માસમાં જિલ્લા મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવસિંહની ટીમે કુલ-59 કેસ કરીને કુલ રૂપિયા 52.94 લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો. જોકે જિલ્લા ભુસ્તર વિભાગ દ્વારા રોયલ્ટી પાસ વિના સાદી રેતીનું વહન કરતા વાહનોને પકડવાનું અભિયાન ફેબ્રુઆરી-2025 માસમાં ચાલુ રાખવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ભૂસ્તર વિભાગની ટીમોને રોડ ઉપર ઉભી રાખીને સાદી રેતી ભરીને પસાર થતાં વાહનોની પાસે રોયલ્ટી પાસ માંગવામાં આવે છે. જોક રોટલ્ટી પાસ નહી ધરાવતી સાદી રેતીનું વહન કરતી ટ્રકોને ઝડપી પાડવામાં આવી છે. જેમાં ગાંધીનગર જીલ્લામાં ગત તારીખ 1લી, ફેબ્રુઆરીના રોજ દિવસ-રાત વાહન ચેકીંગની કામગીરી અલગ-અલગ વિસ્તારમાં હાથ ધરી સાદીરેતી ખનિજના બિનઅધિકૃત વહન કરતાં કુલ-04 વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. જેમાં કલોલ ખાતેથી ડમ્પર નંબર GJ-24-X-4031માં 28.040 મેટ્રીક સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ વગર બિનઅધિકૃત વહન કરતી હતી. વધુમાં મોટી ભોયણ, કલોલ ખાતે વાહન ડમ્પર નંબર GJ-18-BT-2657માં 31.880 મેટ્રીક ટન સાદીરેતી ખનિજનું રોયલ્ટીપાસ વગર બિનઅધિકૃત વહન કરતા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. ઉપરાંત છત્રાલ ખાતેથી બે ડમ્પરમાંથી એક ડમ્પર નંબર GJ-08-AW-8530માં 31.230 મેટ્રીક ટન સાદીરેતી ખનિજનું રોયલ્ટીપાસ વગર બિનઅધિકૃત વહન તથા બીજા ડમ્પર નંબર NL-06-A-6472માં 35.080 મેટ્રીક ટન સાદીરેતી ખનિજનું રોયલ્ટીપાસ વગર બિનઅધિકૃત વહન કરતા કુલ-4 વાહનો મળી આશરે 1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરેલ વાહનોના વાહનમાલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. (file photo)