કપડવંજમાં કન્ટેનરના ડ્રાઈવરની હત્યા કરીને લૂંટના ગુનામાં 4 શખસોની ધરપકડ
- 4 લૂંટારૂ શખસોએ કન્ટેનરમાંથી 2.85 લાખના સિલિંગ ફેનની લૂંટ કરી હતી
- ખેડા પોલીસે બાવળા-અમદાવાદ રોડ પર યુપીના 4 શખસોને દબોચી લીધા
- પોલીસે લૂંટનો મુદ્દામાલ કબજે કર્યો
નડિયાદઃ ઉત્તર પ્રદેશની લૂંટારૂ ગેન્ગે કપડવંજ હાઈવે પર કન્ટેનરના ડ્રાઈવરને બંધક બનાવીને તેની હત્યા કરી કન્ટેનગરમાંથી 2.85 લાખના સિલિંગ ફેનની કન્ટેનરમાંથી લૂંટ કરી હતી. આ ઘટનાના 48 કલાક બાદ ખેડા જિલ્લા પોલીસે અમદાવાદ- બાવળા રોડ પરથી આઈશરમાં ઉત્તરપ્રદેશના ચાર શખ્સોને ઝડપી પાડયા છે. પકડાયેલા શખ્સો પાસેથી લૂંટ કરાયા પૈકીનો કેટલોક મુદ્દામાલ અને લૂંટમાં વાપરેલા હથિયારો કબજે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગતો એવી છે કે, કપડવંજના પાંખીયાથી કાપડીવાવ રોડ પર મલકાણા ગામની સીમમાં ડ્રાઈવરની હત્યા કરી કન્ટેનરમાંથી રૂા. 2.85 લાખની સિલિંગ ફેનની લૂંટ ચલાવાયાની ઘટના બન્યા બાદ જિલ્લા પોલીસે 7 ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં 48 કલાક દરમિયાન સરકારી પોર્ટનો ઉપયોગ કરવા સાથે સીસીટીવી ફંફોસ્યા હતા. ત્યારે અમદાવાદના ઓઢવ સર્કલ રીંગ રોડથી સનાથન સર્કલ સુધીમાં આવતા લોજીસ્ટીક માલ-સામાન રાખતા એકમોની તપાસ કરવામાં આવી હતી. શંકાસ્પદ વાહનના સવસ સ્ટેશનમાં વાહન સંદર્ભે તપાસ હાથ ધરતા વાહન નોંધણી તથા ચાલકની વિગત મળી હતી. બાદમાં આ આ શંકાસ્પદ વાહન રાજકોટ-અમદાવાદ હાઈવે પર અમદાવાદથી બાવળા રોડ પર હોવાનું જાણવા મળ્યું હતું. જ્યાંથી આઈસરમાંથી લુંટમાં ગયેલો મુદ્દામાલ મળી આવ્યો હતો.
ખેડા પોલીસે આઈસરમાં બેઠેલા 4 લૂંટારૂ ઈસમોને ઝડપી પાડયા હતા. દરમિયાન ઉચ્ચ અધિકારીઓએ આરોપીઓની પૂછપરછ કરતા આરોપીઓએ ગુનો કબુલ કરી લીધો હતો. આરોપીઓએ પોતાના નામ ઈસરાર ઉર્ફે મામા ત્યાગી, વસીમ ચૌધરી, સહજાદ કલઆ, શહેજાદ અખતર (તમામ રહે. ઉતરપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી અને આઈસર તેમજ લૂંટ કરાયા પૈકીનો કેટલોક મુદ્દામાલ જપ્ત કર્યો છે. બાકીનો મુદ્દામાલ રિકવરી કરવાની કામગીરી હાથ ધરી છે
ખેડા જિલ્લા પોલીસ દ્વારા બનાવાયેલી તપાસ ટીમ દ્વારા બનાવના સ્થળની નજીકથી આસપાસના તમામ મોટા માર્ગો પરના 78 સીસીટીવી ચેક કરાયા હતા. આ સિવાય ખાનગી હોટલો, મોલ અને દુકાનોના 170 સીસીટીવી ફંફોળ્યા હતા. આખરે ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે.