કચ્છના વાગડ વિસ્તારમાં નર્મદા કેનાલમાં 4 જણા ડૂબ્યા, બેના મૃતદેહ મળ્યા
- ખેતરમાં કામ કરતા શ્રમજીવી પરિવારનો સગીર કેનાલમાં પડ્યો,
- સગીરને બચાવવા માટે તેનો પરિવાર એકપછી એક કેનાલમાં પડ્યો,
- લાપત્તા બે વ્યક્તિઓની શોધખોળ જારી
ભૂજઃ કચ્છના વાગડ વિસ્તારમાં નર્મદા કેનાલ વધુ એક વખત માનવ જીવ માટે ઘાતક નીવડી છે. ગત તા.23ના ખારોઇ પાસે પિતા પુત્રના કેનાલમાં ડૂબી જવાની ઘટના વિસરાઈ નથી ત્યાં ફરી નર્મદા કેનાલમાં ડૂબી જતા બે લોકોના મૃત્યુ નિપજયા હતા. જ્યારે બે વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે. છેલ્લા દસ દિવસમાં કેનાલમાં જીવલેણ બનાવની બીજી ઘટના સર્જાઈ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગઈકાલે સોમવારના રોજ બપોરેના સુમારે તાલુકાના ગેડી થાનપર વચ્ચેના શકટિંગર વિસ્તારમાં આવેલી વાડીમાં ખેત મજૂરીનું કામ કરતા મૂળ રાજસ્થાનના શ્રમજીવી પરિવારનો સગીર વયનો કિશોર નજીકની કેનાલમાં પડી જતા તેને બચાવવા અન્ય પરિજનો કેનાલમાં પડ્યા હતા. આ સમયે બચાવો બચાવોની બુમો સાંભળી તેમના અન્ય સ્વજન પણ કેનાલના પાણીમાં બચાવવા માટે કૂદી પડ્યા હતા. હાલ સ્થાનિક તરવૈયાઓ દ્વારા લાપતા બે વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ બચાવવા પડેલા શેરસિંગ બાબુભાઇ (ઉ.વ.40) અને અનુજા કલુખાન જોગી (ઉ.વ.17)ના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે લાપત્તા શબીર કલુખાન જોગી (ઉ.વ.21) અને સરફરાજ મોસમ જોગી (ઉ.વ 36)ની શોધખોળ ચાલી રહી છે. રાપર પીઆઇ જે.બી.બુબડીયા, હેડ કોન્સ્ટેબલ વણવીર ચૌધરી, હેડ કોન્સ્ટેબલ મનહર ચૌધરી અને પ્રકાશ ચૌધરી વગેરે સ્થળ પર પહોંચી શોધ પ્રક્રિયામાં ઝડપ લાવવા કાર્યરત હોવાનું જાણવા મળ્યું હતું.