દાહોદ જિલ્લાના મનરેગા કૌભાંડમાં એકાઉન્ટ સહિત 4 શખસોની ધરપકડ
- કામ વિના બિલો પાસ કરીને 71 કરોડની ઉચાપતનો આરોપ
- દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં કૌભાંડ કરાયું હતું
- જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકે ફરિયાદ નોંધાવી
દાહોદઃ જિલ્લામાં કરોડો રૂપિયાના મનરેગા કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આ કૌભાંડમાં માટી મેટલ રોડ, સીસી રોડ, ચેકવોલ જેવા અધૂરા કામો કરી કામો પૂર્ણ થયા હોવાના દસ્તાવેજો રજૂ કરી સંબંધિત એજન્સીને કરોડોના બિલની ચૂકવણા કરાયા હતા. જિલ્લામાં આવેલા દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકા પંચાયતમાં મનરેગા યોજના અંતર્ગત થયેલા કામોમાં કરોડોનો ભ્રષ્ટાચાર સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ અંગે ખુદ દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરતા એકાઉન્ટન્ટ સહિત 4ની ધરપકડ કરી છે.
દાહોદ જિલ્લામાં મહિનાઓ પહેલા નકલી કચેરી ખોલી કરોડોની ઉચાપતનો મામલો પ્રકાશમાં આવ્યા બાદ જમીનના નકલી એન.એ હુકમનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. ત્યારબાદ વધુ એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં ગુજરાત સરકારના મંત્રી દેવગઢ બારીયા બેઠકના ધારાસભ્ય બચુભાઈ ખાબડના મતવિસ્તાર દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજના હેઠળ કરોડોનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં માટી મેટલ રોડ, સીસી રોડ, ચેકવોલ જેવા કામો અધૂરા કામો કરી કામો પૂર્ણ થયા હોવાના દસ્તાવેજો રજૂ કરી કરોડોના બિલની ચૂકવણા થયા હોવાનું સામે આવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ પ્રાથમિક તબક્કે દેવગઢબારીયા અને ધાનપુર તાલુકાના કેટલાક ગામોમાં કામની ચકસણી કરતાં અધૂરા કામ થયા હતા અને નાણાં પૂરા ચુક્વવામાં આવ્યા. તેમજ યોગ્યતા ન ધરાવતી હોય તેવી એજન્સીઓને પણ નાણાં ચુકવ્યા હોવાનું સામે આવતા દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એમ પટેલે બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી. જેમાં 2021 થી 2024 દરમિયાન અંદાજિત 71 કરોડ રૂપિયા ચૂકવાયા છે. તેથી જવાબદાર એજન્સીઓ અને અધિકારીઓ તેમજ કર્મચારીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરાતા પોલીસે ધાનપુર તાલુકા પંચાયત અને દેવગઢબારીયા તાલુકા પંચાયતમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા જયવીર નાગોરી તેમજ મહિપાલ ચૌહાણ અને જીઆરએસ તરીકે નિમાયેલા ફૂલસિંગ રમેશ તેમજ મંગળા પટેલીયા એમ 4 લોકોની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. તપાસમાં વધુ કૌભાંડ બહાર આવવાની તેમજ વધુ લોકોની સંડોવણી બહાર આવવાની શક્યતાઓ છે.