અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર હવે 4 નવા ટોલ પ્લાઝા બનશે
- બાવળા, લીંબડી, ચોટિલા અને બામણબોરમાં ટોલ પ્લાઝા બનાવાશે,
- સિક્સલેન હાઈવે પર 200 કિમીનું અંતર કાપતા અઢી કલાક થશે,
- ટોલ પ્લાઝા પર એમ્બ્યુલન્સ, ક્રેન અને ટોઈંગ વાનની સુવિધા રહેશે.
અમદાવાદઃ રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવેને કરોડો રૂપિયાના ખર્ચે સિક્સલેન કરવામાં આવ્યો છે. અને કોઈ અડચણ વિના ગંતવ્ય સ્થળે પહોંચી શકાય તે માટે નાના-મોટા શહેરો અને ગામોમાંથી પસાર થતા હાઈવે પર ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે. રાજકોટ-અમદાવાદ હાઈવે 24 કલાક ટ્રાફિકથી ધમધમતો રહે છે. હાલ આ હાઈવેના ડેવલપનું કામ ચાલી રહ્યું છે. જે પૂર્ણ થયા બાદ હાઈવે પર ચાર ટોલ પ્લાઝા ઊભા કરવામાં આવશે. જેમાં પ્રથમ ટોલ પ્લાઝા બાવળા અને બગોદરાની વચ્ચે, બીજું ટોલ પ્લાઝા બગોદરા અને લીંબડી વચ્ચે, ત્રીજુ ટોલપ્લાઝા ચોટિલા પાસે, અને ચોથુ ટોલપ્લાઝા બામણબોર પાસે બનાવાશે. નવા સિક્સલેન હાઈવેથી અમદાવાદથી રાજકોટ માત્ર અઢી કલાકમાં પહોંછી શકાશે પણ વાહનચાલકોએ તોતિંગ ટોલ ટેક્સ પણ ચૂકવવો પડશે.
અમદાવાદ-રાજકોટ હાઈવેનું કામ છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહ્યું છે જે દિવાળી સુધીમાં પૂરું થવાની શક્યતા છે. આ હાઈવે ચાર નવા ટોલ પ્લાઝા બનશે. આ હાઈવે પર આપોઆપ જ ટોલ કપાઈ જશે. પહેલું ટોલનાકું અમદાવાદથી બાવળા વચ્ચે, બીજું લીમડીથી આગળ, ત્રીજું ચોટિલા પાસે અને ચોથું બામણબોરથી રાજકોટ વચ્ચે હશે. ટોલ પ્લાઝા પર એમ્બ્યુલન્સની સુવિધા, ક્રેનની સુવિધા અને ટોઈંગ વાનની સુવિધા રહેશે. અમદાવાદ-રાજકોટ હાઈવે પર ફરજિયાત ચાર-ચાર લેનનો રસ્તો હશે. આ હાઈવે તૈયાર થયા બાદ અમદાવાદથી રાજકોટ અઢી કલાકમાં પહોંચી જશે. જેથી વાહનોચાલકોનો 1 કલાક બચશે.
રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના અધિકારીના કહેવા મુજબ હાલમાં જે ટોલ પ્લાઝા પર ટ્રાફિક વધારે હોય છે ત્યાં સરેરાશ લોકોને નીકળવામા પાંચથી દસ મિનિટનો સમય લાગતો હોય છે. જોકે આ સિસ્ટમ અમલી બન્યા બાદ લોકોને ટોલ પ્લાઝા પાસ કરવાનો સમય માંડ એક મિનિટ જેટલો રહેશે.