સુરેન્દ્રનગરમાં ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્ઝિબિશનમાં 4 લાખ લોકોએ લીધી મુલાકાત
- ત્રિદિવસીય એક્ઝિબિશનમાં 250થી વધુ કંપનીઓએ ભાગ લીધો
- ત્રણ દિવસમાં બિઝનેસ મીટ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા
- રૂપિયા 7થી 8 કરોડના બિઝનેસનો આયોજકોનો દાવો
સુરેન્દ્રનગરઃ શહેરમાં તાજેતરમાં ત્રિદિવસિય ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશ-વિદેશની અને સુરેન્દ્રનગર જિલ્લાની 250થી વધુ કંપનીના સ્ટોલ અને ઉત્પાદનોનું વેચાણ તથા પ્રદર્શન કરાયું હતું. ત્રિ દિવસીય એક્ઝિબિશનની ત્રણથી ચાર લાખ લોકોએ મુલાકા લીધી હોવાનો અને રૂપિયા 7થી 8 કરોડના બિઝનેસ થયાનો આયોજકોએ દાવો કર્યો હતો.
ઝોરદાર ઝાલાવાડ સમૃધ્ધ ઝાલાવાડના સંકલ્પ સાથે ત્રિદિવસીય એક્સપોનું ઉદઘાટન કરાયુ હતુ. એક્પોના ત્રણ દિવસ દરમિયાન બિઝનેસમીટ, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતનું આયોજન કરાયું હતું. આ એક્ઝિબિશનમાં દેશ-વિદેશની કંપની સાથે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રાકૃતિક ખેતી, હેન્ડિક્રાફ્ટ, ઇન્ડસ્ટ્રિયલ મેન્યુફેક્ચરિંગ સહિતના 250થી વધુ સ્ટોલે આકર્ષણ જમાવ્યું હતું. આ અગે આયોજકોએ જણાવ્યું કે ઝાલાવાડમાં બિઝનેસની અનેક તકો રહેલી છે. સામાન્ય રીતે સિરામિક, મીઠુ, કપાસ અને દુધ ઉત્પાદન માટે જાણીતો ઝાલાવાડ પ્રદેશ હવે એરોનેટિક, રોબોટિક, સોલાર એનર્જી, ફાર્મા, બેન્કિંગ, ટેક્સટાઇલ પાર્ટ્સ, જિનિંગ, સ્ટોરેજ સિસ્ટમ, મિલ્ક એન્ડ ફૂડ, ઇલેક્ટ્રોનિક્સ સૌર ઊર્જા, હેન્ડિક્રાફટ, બ્યુટી પ્રોડક્ટસ, પ્રાકૃતિક ખેતી, ઇન્ડસ્ટ્રીયલ મેન્યુફેક્ચરિંગ સહિતના અન્ય ક્ષેત્રોમાં તકો બહાર આવી રહી છે.
એક્પોના આયોજકોએ જણાવ્યું હતું કે, જિલ્લામાં પુરૂષો સાથે મહિલાઓ પણ બિઝનેસમાં આગળ આવે માટે આ વખત મહિલા ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા ખાસ મહિલા વિંગ સ્થપાઇ હતી. એક્ઝિબિશનમાં 3 દિવસમાં 4 લાખથી વધુ લોકોએ મુલાકાત લેતા 7થી 8 કરોડનો બિઝનેસ થયાનો દાવો કર્યો હતો. જેના કારણ ભવિષ્યમાં ઉપયોગી એવું 300-400 કરોડના બિઝનેસ ટર્ન ઓવરનું નેટવર્ક કનેક્ટ થયાનો દાવો કર્યો હતો. આ આયોજન સફળ બનાવવા ટીમ ઝેડએફટીઆઇએ પ્રયાસ કર્યા હતા. જ્યારે ત્રીજો ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્સપો હવે 2026માં યોજાશે તેવું જાહેર કરાયું હતું.