મોડાસામાં નજીક બાયપાસ હાઈવે પર માઝુમ નદીના પુલ પરથી કાર ખાબકતા 4ના મોત
- ત્રણ યુવાનોના ઘટના સ્થળે અને એકનુંસારવાર દરમિયાન મોત,
- ચારેય યુવાનો ક્લાસીસમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા,
- કાર 40 ફુટ ઊંચેથી નદીમાં ખાબકી, પોલીસે તપાસ હાથ ધરી
મોડાસાઃ અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક બાયપાસ હાઈવે પર માઝૂમ નદીના બ્રિજ પરથી કાર 40 ફુટ ઊંટે નદીમાં ખાબકી હતી. આ અકસ્માતના બનાવમાં ત્રણ યુવાનોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા.
મોડાસામાં શામળાજી બાયપાસ પર આવેલા માઝૂમ નદીના પુલ પરથી એક કાર નદીમાં ખાબકતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ યુવકના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા શિક્ષકનું સારવાર દરમિયાન મોત થતાં કારમાં સવાર તમામ ચારેય વ્યક્તિનાં મોત નિપજ્યાં છે. આ કરુણ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક તમામ ચાર વ્યક્તિ મોડાસાની ખાનગી સ્કૂલ અને મોશન ટ્યુશન ક્લાસિસમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને મોડાસામાં જ રહેતા હતા. અકસ્માતમાં મૃતકોના નામ વિશાલ રાજ, આબીદ મોરડીયા, કપિલ ઉપાધ્યાય અને દિપક મેવાડા હોવાનું જાણવા મળ્યું છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, 9 ઓગસ્ટની રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં પુરપાટ ઝડપે આવી રહેલી કાર અચાનક નિયંત્રણ ગુમાવી માઝૂમ નદીમાં ખાબકી હતી. કારમાં કુલ ચાર યુવકો સવાર હતા. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો, પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
મોડાસા પાલિકાના ફાયર ઓફિસર હેમરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ચોકડીથી આગળ બાયપાસ મોડાસા બાઇપાસ રોડ ઉપર માઝૂમ નદીના બ્રિજ પર 101 કન્ટ્રોલ ઉપર એક કાર નદીને અંદર ખાબક્યાનો કોલ મળતા નગરપાલિકા ટીમ તાત્કાલિક સ્થળ ઉપર આવી હતી. જેમાં એક ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખાતે રવાના કર્યો હતો. અને ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. બચાવ કામગીરી દરમિયાન ત્રણ યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે એક યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં બચાવી લેવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જો કે, ત્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત થતાં હવે આ અકસ્માતમાં મોતનો આંકડો ચાર પર પહોંચ્યો છે.
પોલીસે જણાવ્યું કે તહેવારના સમયે વાહન ચલાવતી વખતે વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે.