ધોરાજીના સુપેડી ગામ જતાં રોડ પર ઈનોવા કાર પલટી જતાં 4ના મોત, બેને ગંભીર ઈજા
- ઈનોવા કારના ઝાડ સાથે અથડાઈને પલટી ગઈ
- ઈજાગ્રસ્ત બે પ્રવાસીઓને જુનાગઢ સારવાર માટે ખસેડાયા
- પોલીસે ઘટના સ્થળે દોડી જઈને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા
રાજકોટઃ રાજ્યમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ ધોરાજી નજીક સર્જાયો હતો. ધોરાજીથી સુપેડી ગામ જવાના રસ્તે ઈનોવા કાર કોઇ કારણોસર પલટી જતા અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં કારમાં સવાર 6માંથી 4ના મોત નીપજ્યા છે, જ્યારે બે વ્યક્તિઓ ગંભીરરીતે ઘવાયા હતા. ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડાયા છે, જ્યારે ચાર વ્યક્તિઓનાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, ધોરાજીના સુપેડી જવાના રસ્તામાં હાઈ-વે પર ઈનોવા કાર પલ્ટી મારી વૃક્ષ સાથે અથડાતા ગંભીર અકસ્માત થયો હતો. જેમાં ઈનોવા કારમાં સવાર 6 વ્યક્તિઓમાંથી 4ના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા અને બે ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત જાણ થતાં લોકો દોડી આવ્યા હતા. અને બનાવની પોલીસે અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો દેડી આવ્યો હતો.
આ ગમખ્વાર અકસ્માત સર્જાતા પોલીસ તંત્ર અને નેશનલ હાઇવે એમ્બયુલન્સ ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટનામાં ભોગ બનેલા મૃતકોમાં (1) વલ્લભભાઈ રૂધાણી (2) કિશોરભાઈ હિરાણી (3) આસિફભાઈ (4)આફતાબભાઈનો સમાવેશ થાય છે. જયારે (1) રશ્મિન ગાંધી (2) ગૌરાંગ રૂધાણીને ગંભીર ઇજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને ધોરાજી સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ જૂનાગઢ ખાતે વધુ સારવાર અર્થે ખસેડાયા છે. ધોરાજી હોસ્પિટલમાં પરિવારજનોમાં આક્રંદ સાથે ગમગીની છવાઈ ગઈ છે.