રાજકોટમાં સિટીબસના ચાલકે પૂરઝડપે વાહનોને અડફેટે લેતા 4ના મોત, બેને ઈજા
- રાજકોટના ઈન્દિરા સર્કલ પાસે બન્યો બનાવ
- અકસ્માતને લીધે લોકોનું ટોળું એકઠું થયું અને સિટી બસમાં તોડફોડ કરી
- ઉશ્કેરાયેલા લોકોના ટોળાં પર પોલીસે કર્યો લાઠીચાર્જ
રાજકોટઃ શહેરના ઈન્દિરા સર્કલ પાસે આજે સિટીબસના ચાલકે પૂર ઝપે બસ દોડાવીને અનેક વાહનોને અડફેટે લેતા વાહનચાલકો ફુટબોલની જેમ રોડ પર પટકાયા હતા. આ અકસ્માતના બનાવમાં ચારના મોત નિપજ્યા હતા. જ્યારે બે વાહનચાલકો ગંભીરરીતે ઘવાયા હતા. આ અકસ્માતને પગલે લોકોના ટાળાં એકઠા થઈ ગયા હતા. અને ઉશ્કેરાયેલા ટોળાંએ સિટીબસમાં તોડફોડ કરી હતી, લોકો રોષે ભરાતાં પોલીસે દોડી આવીને સ્થિતિ કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો અકસ્માતની દુર્ઘટનામાં મૃત્યું પામેલા લોકોના પરિવારજનોને 15 લાખ અને ઇજાગ્રસ્તોને 2 લાખની સહાય આપવાની રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
આ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, રાજકોટ શહેરના ઈન્દિરા સર્કલ પાસે એક બેફામ સિટી બસચાલકે 6 વાહનોને અડફેટે લેતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં 4 લોકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. અકસ્માત બાદ લોકોનું ટોળું ઘટનાસ્થળે એકઠું થઈ ગયું હતું અને બસમાં તોડફોડ કરીને ભારે હોબાળો મચાવ્યો હતો. સ્થિતિ કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. મૃતકોમાં સંગીતાબેન નેપાળી, (ઉંમર 40), રાજુભાઈ મનુભાઇ ગીડા (ઉંમર 35), કિરણબેન ચંદ્રેશકુમાર કક્કડ અને ચિન્મય હર્ષદરાય ભટ્ટ ઉર્ફે લાલોનો સમાવેશ થાય છે. જ્યારે આ અકસ્માતના બનાવમાં સુરેશ ધર્મેશભાઈ રાવલ અને વિશાલ મકવાણાને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતના બનાવના CCTV કૂટેજ વાયરલ થયા હતાય જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સિગ્નલ ખૂલતાં દરેક વાહનો ધીમે ધીમે આગળ વધી રહ્યાં છે અને અચાનક પાછળથી સિટી બસ આવી અને ઝડપભેર આગળ વધવાના પ્રયાસમાં વાહનોને અડફેટે લે છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં જ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, જોઈન્ટ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ તેમજ ગાંધીગ્રામ, યુનિવર્સીટી, માલવિયા, ક્રાઇમ બ્રાન્ચ અને SOG પોલીસ તથા ધારાસભ્ય ડો. દર્શિતા શાહ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
રાજકોટ શહેર ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના ઇન્દિરા સર્કલ નજીક સિટીબસના ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો. આજે સવારના 9.52 વાગ્યે ઇન્દિરા સર્કલથી યુનિવર્સીટી તરફ જતી સિટીબસના ચાલક દ્વારા ટ્રાફિક સિગ્નલ ખુલતા સમયે અકસ્માત સર્જ્યો હતો અને સાતથી આઠ જેટલા વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતના પગલે કુલ ચાર લોકોના મોત નિપજ્યા છે જયારે ત્રણથી ચાર લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં બસચાલક પણ ઈજાગ્રસ્ત થતા તેને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.