For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરતમાં રેલવે સ્ટેશન પર સ્કૂલબેગમાંથી 4 કિલો ગાંજો પકડાયો

05:31 PM Apr 09, 2025 IST | revoi editor
સુરતમાં રેલવે સ્ટેશન પર સ્કૂલબેગમાંથી 4 કિલો ગાંજો પકડાયો
Advertisement
  • સ્નીફર ડોગ સ્કૂલ બેગ પાસે જઈ ભસવા લાગ્યો
  • પોલીસે સ્કૂલબેગની તપાસ કરતા 4 કિલો ગાંજો મળ્યો
  • રાજકોટ-સિંકદરાબાદ ટ્રેનમાં બીનવારસી સ્કૂલ બેગ પડી હતી

સુરતઃ શહેરના રેલવે સ્ટેશન પર રાજકોટ- સિકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેન ઊભી હતી. ત્યારે  પોલીસ સ્નીફર ડોગ સાથે એક કોચ નજીક ઊભી હતી. તે દરમિયાન સ્નીફર ડોગ ટ્રેનમાં પડેલી સ્કૂલબેગ પાસે જઈ ભસવા લાગ્યો હતો. જેથી સુરત રેલવે પોલીસે સ્કૂલબેગમાં તપાસ કરતા 4 કિલો ગાંજો મળી આવ્યો હતો. ગાંજા સાથેની સ્કૂલબેગ બિનવારસી મળતા રેલવે પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

આ બનાવની વિગતો એવી છે કે,  સુરત રેલવે સ્ટેશન ઉપર અને સ્ટેશન ઉપર આવતી જતી ટ્રેનોમાં રેલવે પોલીસે દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન સુરત રેલવે સ્ટેશન પર રાત્રે ટ્રેન નં.22718 રાજકોટ-સીકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ નં.1 ઉપર આવી ઉભી રહી હતી. જેથી ટ્રેનના સ્લીપર કોચમાં પોલીસ સ્નિફર ડોગને લઈને ચેકિંગ કરી રહી હતી. ત્યારે ટ્રેનના વચ્ચેના ભાગે આવેલા કોચ નં.એસ/09 અને એસ/10ની વચ્ચેના કોરીડોરમાં એક કાળા કલરની સ્કૂલ બેગ બિનવારસી હાલતમાં પડી હતી. બિનવારસી પડેલી બેગ સ્નીફર ડોગ ડ્રેકથી ચેક કરાવતા ડોગ એકદમ ભસવા લાગ્યો હતો. જેથી ડોગ હૅન્ડલર હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહએ આ ડોગ બેગમાં નશીલો માદક પદાર્થ હોવાનો સંકેત આપતો હોવાનું જણાવ્યુ હતું. સ્કૂલ બેગ બાબતે આજુબાજુના પેસેન્જરોને આ બેગ કોની છે? જે અંગે પૂછપરછ કરતાં આ બેગનુ કોઇ માલિક મળી આવ્યું નહિ. જેથી બેગની તપાસ કરતા 44,500 રૂપિયાનો 4.450 કિલો ગાંજો મળી આવ્યો હતો.

સ્કૂલ બેગને સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે લાવી એન.ડી.પી.એસ. એકટ મુજબ અજાણ્યા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અજાણ્યો ઇસમ પોતાના આર્થિક લાભ માટે પરપ્રાંતમાંથી ગેરકાયદેસર રીતે આયાત કરી પોલીસમાં પકડાઈ જવાના ડરથી બીનવારસી હાલતમાં છોડી નાસી ગયો હોવાનું સામે આવ્યું હતું. સુરત રેલવે પોલીસ દ્વારા આ બિનવારસી બેગના માલિકની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement