સબરીમાલા મંદિરની મૂર્તિઓમાંથી 4 કિલો સોનાની ચોરી, કેરળ હાઈકોર્ટે તપાસનો આદેશ કર્યો
કોચીઃ કેરળ હાઈકોર્ટએ સબરીમાલા મંદિરની મૂર્તિઓ પર ચઢાવાયેલા સોનાના આવરણમાં થયેલી ગડબડી અંગે તપાસના આદેશ આપ્યા છે. અદાલતે નોંધ્યું કે વર્ષ 2019માં જ્યારે મૂર્તિઓને નવું સોનાનું આવરણ ચઢાવીને પરત લાવવામાં આવ્યુ, ત્યારે તેમનામાંથી આશરે ચાર કિલો સોનું ઓછું જોવા મળ્યું હતું.
ન્યાયમૂર્તિ રાજા વિજયરાઘવન વી અને ન્યાયમૂર્તિ કે.વી. જયકુમારની ખંડપીઠે જણાવ્યું કે 2019માં જ્યારે દ્વારપાલક દેવતાઓની મૂર્તિઓ પરથી સોનાના પટ્ટિયા દૂર કરાયું ત્યારે તેમનું વજન 42.8 કિલો હતું. પરંતુ ચેન્નાઈ સ્થિત જે ફર્મને નવા સોનાના આવરણનું કામ સોંપાયું હતું, ત્યાં તોળણી વખતે તેમનામાંથી 4.541 કિલો સોનું ઓછું નીકળ્યું હતું. અદાલતે આને “ચિંતાજનક બાબત”* ગણાવી અને વિસ્તૃત તપાસ જરૂરી ગણાવી છે.
દ્વારપાલકની આ મૂર્તિઓ 1999માં સત્તાવાર મંજૂરી બાદ સ્થાપિત થઈ હતી અને તેમને 40 વર્ષની વોરંટી હતી. છતાં માત્ર છ વર્ષમાં જ તૂટફૂટ શરૂ થતાં 2019માં તાંબાના પટ્ટિયાં મરામત અને ફરી સોનાનો આવરણ ચઢાવવા મોકલાયા હતા. ખાસ નોંધનીય છે કે આ પ્રક્રિયા માટે ન તો વિશેષ કમિશનરની અને ન તો અદાલતની મંજૂરી લેવામાં આવી હતી.
આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે ત્રાવણકોર દેવસ્વમ બોર્ડ (ટીડિબી)ના મુખ્ય સતર્કતા અને સુરક્ષા અધિકારી (પોલીસ સુપરિન્ટેન્ડન્ટ)ને આ મામલે વ્યાપક તપાસ કરવાનો આદેશ આપ્યો છે. તમામ દસ્તાવેજો તપાસવા અને ત્રણ અઠવાડિયામાં અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ કર્યો છે. અદાલતે એમ પણ જણાવ્યું કે બધા રજીસ્ટર સતર્કતા અધિકારીને સોંપવામાં આવે અને ટીડિબી તપાસમાં પૂરું સહકાર આપે.