ચીનના ઝિન્જિયાંગમાં 4.7ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ફફડાટ
ચીનના ઝિન્જિયાંગમાં ગુરુવારે ભૂકંપના આંચકાથી ધરતી ધ્રૂજી ઊઠી હતી. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.7 આંકવામાં આવી છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ આ માહિતી આપી છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર, ઝિન્જિયાંગમાં ભૂકંપનું કેન્દ્ર 220 કિમીની ઊંડાઈએ હતું. ભૂકંપની લપેટમાં આવવાથી જાનમાલનું કેટલું નુકસાન થયું છે, તેની માહિતી હજી સામે આવી નથી.
વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, 6 નવેમ્બરના રોજ સવારે 6 વાગ્યેને 32 મિનિટ અને 18 સેકન્ડે ભૂકંપ આવ્યો હતો. આ પહેલા ચીનમાં 26 ઓક્ટોબરના રોજ 4.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેની ઊંડાઈ 130 કિલોમીટર હતી. ઓછી ઊંડાઈવાળા ભૂકંપ સામાન્ય રીતે વધુ ઊંડાઈવાળા ભૂકંપ કરતાં વધુ વિનાશક હોય છે. ચીનની ભૌગોલિક સ્થિતિને કારણે ભૂકંપીય ગતિવિધિઓ માટે તેને સંવેદનશીલ માનવામાં આવે છે.
ચીન બે સૌથી મોટી ભૂકંપીય પટ્ટીઓ (Seismic Belts), પ્રશાંત મહાસાગરીય ભૂકંપીય પટ્ટી અને હિંદ મહાસાગરીય ભૂકંપીય પટ્ટી, વચ્ચે સ્થિત છે. અહીં પ્રશાંત, હિંદ મહાસાગરીય અને ફિલિપાઇન્સ પ્લેટના પરસ્પર દબાણને કારણે ભૂકંપ આવવાનો ખતરો વધુ રહે છે. ચીનના વિજ્ઞાન સંગ્રહાલયો અનુસાર, 1900 થી અત્યાર સુધીમાં ચીનમાં ભૂકંપોમાં 5,50,000 થી વધુ લોકો માર્યા ગયા છે, જે કુલ વૈશ્વિક ભૂકંપ મૃત્યુઆંકના 53 ટકા છે.
1949 થી અત્યાર સુધીમાં, ચીનની નગરપાલિકાઓ અને સ્વાયત્ત પ્રદેશોમાં 100 થી વધુ વિનાશકારી ભૂકંપ આવી ચૂક્યા છે, જેમાંથી 14 પૂર્વીય ચીનમાં આવ્યા છે. આને કારણે 2,70,000 થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ આંકડો ચીનમાં કુદરતી આપત્તિઓથી થયેલા કુલ મૃત્યુના 54 ટકા છે. ભૂકંપ પ્રભાવિત જિલ્લાઓનું ક્ષેત્રફળ 3,00,000 ચોરસ કિલોમીટર છે, જ્યાં 70 લાખથી વધુ ઘરોને નુકસાન પહોંચાડ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે ભૂકંપ અને અન્ય કુદરતી આપત્તિઓ ચીન માટે એક મોટો પડકાર બની રહી છે. શાંતિપૂર્ણ સમયમાં પણ ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓ ચીન માટે સૌથી કઠિન સમય લઈને આવે છે.