સુરત અને ભરુચમાંથી બે વર્ષમાં ડ્રગ્સ સાથે 397 આરોપીઓ ઝડપાયાં
ગાંધીનગરઃ ડ્રગ્સના પકડાયેલા જથ્થા સંદર્ભે વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નોના જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે રીતસરની જંગ છેડીને એક પછી એક મોટા-મોટા ડ્રગ્સ કાર્ટેલ્સ પકડી પાડ્યા છે. અને ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસે તેની સાથે જ ડ્રગ્સ પકડી પાડવાની નેમ સાથે ખૂબ જ સક્રિયતાથી ગુજરાત પોલીસ કામ કરી રહી છે. ગુજરાતમાં અનેક દરોડા પાડી ડ્રગ્સ પકડ્યાની સાથે સાથે ગુજરાત પોલીસે છેલ્લા વર્ષમાં અન્ય અલગ અલગ રાજ્યમાં જઈને 30થી વધુ દરોડા પાડી મોટી માત્રામાં ડ્રગ્સના જથ્થાઓને જપ્ત કર્યા છે.
મંત્રીએ ભરૂચ અને સુરત જિલ્લામાં તા.31મી જાન્યુઆરી 2025ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં પકડાયેલા ડ્રગ્સ/ નશીલા પદાર્થના પકડાયેલા જથ્થા અંગે કહ્યું કે, ભરૂચ અને સુરત જિલ્લામાં બે વર્ષમાં ગાંજો, મેફેડ્રોન, ચરસ, અફીણ, માદક પદાર્થના રો મટીરિયલ, એલ.એસ.ડી, સીરપ, પોસ ડોડા, પેન્ટાઝોસિલ સહિતના અલગ અલગ પ્રકારના ડ્રગ્સ/ નશીલા પદાર્થોનો કરોડો રૂપિયાના મુદ્દામાલનો જથ્થો પકડી પાડવામાં પોલીસ સફળ રહી છે. જેમાં 397 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે પકડવામાં બાકી 100 આરોપીઓની બાતમીદારો તથા ટેકનિકલ સપોર્ટ આધારે ધરપકડ કરવા માટે તજવીજ ચાલી રહી છે. એટલું જ નહીં, આ આરોપીઓ પૈકી કેટલાક અન્ય રાજ્યોની જેલમાં તો કેટલાક અન્ય દેશોમાં પણ હોય છે, તેમણે પકડવા પણ જરૂરી કાર્યવાહી ચાલી રહી છે.