સાણંદમાં ગ્લેડ વન રિસોર્ટમાં દારૂની મહેફિલ માણતા 26 યુવતી સહિત 39 પકડાયા
- એક બિલ્ડરની બર્થ ડે પાર્ટીમાં મહેફિલનું આયોજન કરાયું હતું,
- પોલીસે રેડ પાડતા નાસભાગ મચી,
- પોલીસે 100 લોકોને તપાસતા 39 પીધેલા નીકળ્યા,
અમદાવાદઃ શહેર નજીક સાણંદમાં આવેલા ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાં એક બિલ્ડરની બર્થ ડે પાર્ટીમાં હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે બાતમી મળતા સાણંદ પલીસે મોડીરાતે રેડ પાડતા મહેફિલના રંગમાં ભંગ પડ્યો હતો. અને નાસભાગ મચી હતી. પોલીસે 26 યુવતી અને 13 યુવાનોને દારૂ પીધેલી હાલતમાં પકડ્યા હતા. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તમામની ધરપકડ કરી છે, પોલીસને રિસોર્ટમાંથી 5 વિદેશી દારૂની સીલબંધ બોટલો પણ મળી આવી હતી.
આ બનાવની વિગતો એવી છે કે, સાણંદમાં આવેલા ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાં ગઈ મોડીરાત્રે હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટી ચાલી રહી હતી, તેની બાતમી મળતા સાણંદ પોલીસે રેડ કરી હતી. રિસોર્ટમાં રેડ દરમિયાન પોલીસે 100 લોકોને તપાસ્યા હતા, જેમાંથી 13 યુવક અને 26 યુવતી મળી કુલ 39 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયાં હતાં. તમામને મોડીરાત્રે જ મેડિકલ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં. એ બાદ રાતના 3 વાગ્યાના અરસામાં તમામને સાણંદ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યાં હતાં. સાણંદ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તમામની ધરપકડ કરી છે. બિલ્ડર પ્રતીકભાઈની બર્થ ડે પાર્ટી નિમિત્તે આ હાઇપ્રોફાઇલ દારૂ પાર્ટી યોજવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. રિસોર્ટમાં પાર્ટી ચાલી રહી હતી ત્યારે 100 લોકો હાજર હતા. શંકાસ્પદ લોકોના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા ત્યારે 100માંથી 13 યુવક અને 26 યુવતી દારૂ પીધેલી હાલત હતાં. કુલ 39 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયાં હતાં. દારૂ પીધેલા તમામને પોલીસની 4 બસ અને ગાડીમાં તમામને બેસાડીને મેડિકલ ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં. મોટી સંખ્યામાં દારૂ પીધેલા લોકો ઝડપાયાં હોવાથી મોડીરાતથી સવાર સુધી પોલીસની કાર્યવાહી ચાલી હતી. યુવક-યુવતીઓ પણ મોટી સંખ્યામાં ઝડપાયાં હોવાથી લોકોના પરિવાર પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
સાણંદ પોલીસના સૂત્રોના કહેવા મુજબ 20 જુલાઈની રાત્રે પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી, જેમાં સાણંદ પોલીસ સ્ટેશનની સાથે અસલાલી, ચાંગોદર, બોપલ પોલીસ તથા 2 પંચને સાથે રાખી રેડ કરવામા આવી હતી. પોલીસ રેડમાં બર્થડે પાર્ટીના આયોજક અમદાવાદમાં રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા એક બિલ્ડર હોવાનું સામે આવ્યું હતું. રેડ દરમિયાન હાજર મહિલા-પુરુષોની બ્રેથ એનેલાયઝરથી તપાસ કરતાં 13 પુરુષ અને 26 મહિલા શંકાસ્પદ પીધેલ હાલતમાં મળ્યાં હતાં. જેમને વધુ તપાસણી માટે મેડિકલ બ્લડ સેમ્પલની કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે કુલ 5 સીલબંધ દારૂની બોટલ મળતાં કબજે કરી સમગ્ર બનાવ બાબતે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.