ગુજરાતમાં વર્ષ-2024 માં 119 અંગદાનથી 387 વ્યક્તિઓને નવજીવન મળ્યું
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના દિશાનિર્દેશ હેઠળ ગુજરાતમાં અંગદાન પ્રત્યેની જાગૃતિ કેળવાય અને વધુમાં વધુ લોકો અંગદાન કરે તે માટે રાજ્ય સરકાર દ્વારા અથાગ પ્રયાસ હાથ ધરાયા છે.
દાન વીરોનું આભુષણ છે જ્યારે, ગુજરાતીઓ દાન આપવામાં સમગ્ર વિશ્વમાં આગેસર છે. ‘અંગદાન મહાદાન’ના મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરી ગુજરાત અંગદાન ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહ્યું છે. ખાસ કરીને કિડની ટ્રાન્સપ્લાન્ટમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે છે. છેલ્લા છ વર્ષમાં ગુજરાતમાં 583 બ્રેઇનડેથ વ્યક્તિઓના અંગોના દાન થકી કુલ 1812 અંગોનું દાન મળ્યું છે. અંગદાન માટે કાર્યરત SOTTO (સ્ટેટ ઓર્ગન ટિસ્યુ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશનન) ના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદીએ જણાવ્યું છે કે, અમદાવાદ સિવિલ મેડિસીટીની ઇન્સ્ટીટયુટ ઓફ કિડની ડિસીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર(IKDRC) માં વર્ષ- 2024માં કુલ 443 કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા. જે સરકારી આરોગ્ય સંસ્થામાં સમગ્ર દેશમાં સૌથી વધારે છે 443માંથી 309 કિડની ટ્રાન્સપ્લાન્ટ લાઈવ(જીવંત) અને 134 કિડની કેડેવર ડોનેશનથી થયા.
અત્રે ઉલ્લેખનીય છે કે, એક કિડની ટ્રાન્સપ્લાન્ટમાં લગભગ 15 મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ કાર્યરત હોય છે. તેમાં મુખ્યત્વે 5 મેડિકલ સ્ટાફ અને 10 પેરામેડિકલ સ્ટાફ કાર્યરત હોય છે. એક કિડની ટ્રાન્સપ્લાન્ટમાં લગભગ 3 થી 4 કલાકનો સમય લાગે છે.
આમ, અંદાજીત 6615 વ્યક્તિઓ અને 1543 કલાક( 3.5 કલાક સરેરાશ)ની મહેનતના અંતે 441 સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા. વર્ષ -2024માં કુલ 66 લીવર ટ્રાન્સપ્લાન્ટ થયા છે. જેમા 62 લીવર ટ્રાન્સપ્લાન્ટ કેડેવર ડોનેશનથી અને 4 લાઈવ(જીવંત) ડોનેશનથી થયા છે. એક લીવર પ્રત્યારોપણમાં 18 મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ કાર્યરત હોય છે. તેમાં મુખ્યત્વે 8 મેડિકલ સ્ટાફ અને 10 પેરામેડિકલ સ્ટાફ કાર્યરત હોય છે. જ્યારે લીવર ટ્રાન્સપ્લાન્ટમાં લગભગ 10 થી 12 કલાકનો સમય લાગતો હોય છે.
અંદાજીત 726 વ્યક્તિઓ અને 1188 કલાક (11 કલાક સરેરાશ) ની મહેનતના અંતે 66 સફળ લીવર ટ્રાન્સપ્લાન્ટ થયા. કિડની ટ્રાન્સપ્લાન્ટના દર્દીઓને 2 થી 4 અઠવાડિયા અને લીવર ટ્રાન્સપ્લાન્ટના દર્દીઓને 2 થી 5 અઠવાડિયાનો સમય પોસ્ટ ઓપેરેટિવ કેરની જરૂરિયાત રહેતી હોય છે.
અત્રે નોંધનીય બાબત એ છે કે, આ વર્ષે ગુજરાતમાં 119 બ્રેઇનડેથ ડોનરમાંથી 210 કિડની,109 લીવર, 34 હ્રદય, 26 ફેફસાઓ,2 સ્વાદુપિંડ,1 નાનું આંતરડું, 5 હાથના ડોનેશન મળ્યાં છે. છેલ્લા 6 વર્ષમાં ગુજરાતમાં 583 બ્રેઇનડેથ ડોનરમાંથી 994 કિડની, 508 લીવર,130 હ્રદય, 130 ફેફસાઓ, 15 સ્વાદુપિંડ, 10 નાનું આંતરડું, 25 હાથના ડોનેશન મળીને કુલ 1812 કેડેવર મળ્યા હતા.