બનાસકાંઠાની ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોમાં 36 જ્ઞાન સહાયકોની ભરતી કરાશે
- શિક્ષકોની કાયમી ભરતી ન થાય ત્યાં સુધી જ્ઞાન સહાયકો બાળકોને ભણાવશે,
- જ્ઞાન સહાયકોને મહિને 21000નું વેતન ચુંકવવામાં આવશે,
- 12મી ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે
પાલનપુરઃ બનાસકાંઠામાં ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં પ્રાથમિક શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી હોવાથી બાળકોની શિક્ષણ પર અસર પડી રહી છે. ત્યારે ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોમાં 36 જ્ઞાન સહાયક ભરવાનો નિર્ણય લેવાયો છે. કાયમી શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી જ્ઞાન સહાયકોથી વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહેશે. જ્ઞાન સહાયકોની ભરતીને લીધે શિક્ષકોની ખાલી જગ્યાઓની સમસ્યા મહદંશે હળવી થશે.
જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠા સહિત રાજયની ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોમાં કાયમી શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી જ્ઞાન સહાયકથી વિધાર્થીઓને શિક્ષણ મળી રહે તે માટે જ્ઞાન સહાયકોની ભરતીની જાહેરાત કરાઈ છે. ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોમાં 11 માસના કરાર આધારીત જ્ઞાન સહાયકની ભરતી માટે 5 ડિસેમ્બરથી ઓનલાઈન અરજીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઉમેદવારો 12 ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે. પ્રા. વિભાગમાં જ્ઞાન સહાયક બનનારા ઉમેદવારને માસિક રૂપિયા 21 હજારનું ફિકસ મહેનતાણું ચુકવવામાં આવશે.જિલ્લામાં ધોરણ 1 થી 5માં ફકત ડીસા તાલુકામાં જ 6 જગ્યાઓ ખાલી છે.ધોરણ 6 થી 8 માં ડીસા તાલુકામાં 13, પાલનપુર તાલુકામાં 5, થરાદ તાલુકામાં 4, ભાભર તાલુકામા 3, વડગામ તાલુકામાં 2, જ્યારે દાંતા, ધાનેરા અને દિયોદર તાલુકામાં 1-1 જગ્યાઓ ખાલી છે. અને કાંકરેજ તાલુકામાં 0 ખાલી જગ્યા છે. ઉમેદવારો તા. 12 ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે. જ્ઞાન સહાયકોની ભરતીને લીધે શિક્ષકોની ખેંચ નિવારી શકાશે.