વડોદરામાં સમતા વિસ્તારમાં 35 વર્ષ જુનો સૂર્યકિરણ ફ્લેટ્સ ધરાશાયી
- ગત રાતે ફ્લેટ્સ હલવા લાગતા રહિશો દોડીને બહાર નિકળી ગયા
- ફાયર વિભાગની 11 ગાડીઓ એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળે દોડી આવી
- દૂર્ઘટનામાં કોઈ મૃત્યુ થયુ છે કે કેમ તે જાણી ન શકાયું
વડોદરાઃ શહેરના સમતા વિસ્તારમાં ગઈ રાતે સૂર્યકિરણ ફ્લેટ્સ ધરાશાયી થતા દોડધામ મચી ગઈ હતી. જોકે આ બનાવમાં ફ્લેટ્સના રહિશોને બિલ્ડિંગ હલી રહ્યું હોય એવું લાગતા રહિશો બહાર દાડી આવ્યા હતા અને ત્યારબાદ બિલ્ડિંગ ધરાશાયી થયું હતુ. આ બનાવની જાણ થતા મ્યુનિનો ફાયર વિભાગના જવાનો 11 ગાડીઓ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને ત્વરિત કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. અને કાટમાળમાં કોઈ ફસાયેલું છે કે કેમ તેની માહિતી મેળવી હતી.
આ બનાવની વિગતો એવી છે કે, શહેરના સમતા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક આવેલા 3 માળના સૂર્યકિરણ ફ્લેટ્સ ગઈ રાતે 10.30 વાગ્યા આસપાસ ધરાશાયી થતાં દોડધામ મચી હતી. બિલ્ડિંગ હલતી હોવાની જાણ થતાં ફ્લેટમાં રહેતા રહીશોએ જીવ બચાવવા ભાગદોડ કરી હતી. આ દરમિયાન બે યુવકો ફસાઇ ગયા હતા. સદનસીબે તેમનો આબાદ બચાવ થયો હતો. જ્યારે પરિવારની 3 મહિલા સહિત 1 યુવક બહાર નીકળી જતાં તેમનો પણ બચાવ થયો હતો. રાતે 10.45એ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 11 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને કાટમાળ નીચે કોઈ દબાયું છે કે નહિ? તેની પુષ્ટિ કરવા માટે જેસેબીની મદદથી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. લાશ્કરોની કામગીરી મોડી રાત સુધી ચાલી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે પહોંચી વિસ્તાર કોર્ડન કર્યો હતો. ઘટનાને પગલે 4 એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી.
સૂત્રોના કહેવા મુજબ સમતા વિસ્તારમાં 35 વર્ષ જૂના સૂર્યકિરણ ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોર પર શોરૂમ બની રહ્યો હતો, જેનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન રવિવારે મોડી રાત્રે એકાએક મકાનનો ભાગ ધરાશાયી થતાં 2થી 3 પરિવારોના સભ્યો જીવ બચાવી ભાગ્યા હતા. જોકે તેની પાસે આવેલા અન્ય ફ્લેટ પણ જર્જરિત હોવાથી તેમાં રહેતા પરિવારોને પણ તકેદારીના ભાગ રૂપે નીચે ઉતારી લેવાયા હતા. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અફરા-તફરી મચી હતી. બીજી તરફ ફાયર બ્રિગેડની ટીપી-13, વડીવાડી અને ઇઆરસીની ટીમોએ અંદર કોઇ ફસાયું છે કે નહીં તેની શોધખોળ હાથ ધરી હતી. જ્યારે 2 જેસીબીથી કાટમાળ હટાવવાની કામગીરી મોડી રાત સુધી હાથ ધરાઈ હતી. ઘટનાને પગલે પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે, કોર્પોરેટર શ્રીરંગ આયરે પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
આ મામલે કોર્પોરેટર શ્રીરંગ આયરે જણાવ્યું કે, સૂર્યકિરણ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રિનોવેશન થતું હતું. નીચેના ગ્રાઉન્ડ ફ્લોર પરના પાર્ટિશનની દીવાલ હટાવી દેવામાં આવી હતી અને કારીગરો ડ્રિલર વડે કામગીરી કરતા બિલ્ડિંગ વાઇબ્રેટ થતી હતી. તેના કારણે ફ્લેટ ધરાશાયી થયો હોય તેમ લાગી રહ્યું છે.