અમેરિકામાંથી 35 ભારતીયોનો દેશનિકાલ, હરિયાણાના યુવાનોને હથકડી લગાવી પરત મોકલાયા
નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં વાપસી પછીથી જ ગેરકાયદે પ્રવેશ કરનારા પ્રવાસીઓ પર કડક વલણ અપનાવી રહ્યા છે. તાજેતરમાં ટ્રમ્પ પ્રશાસને ભારતના વધુ એક જૂથને અમેરિકાથી નિર્વાસિત કર્યું છે. કુલ 35 ભારતીય નાગરિકોને હથકડી લગાવી વિમાન મારફતે પરત મોકલવામાં આવ્યા, જે મધરાતે દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યાં હતા.
નિર્વાસિત થયેલા લોકોમાં હરિયાણાના કૈથલ, કરનાલ અને કુરુક્ષેત્ર જિલ્લાના રહેવાસીઓનો સમાવેશ થાય છે. કૈથલ જિલ્લાના નરેશ કુમારે જણાવ્યું કે, “અમને ઉડાન દરમિયાન હથકડી પહેરાવવામાં આવી હતી, જાણે કે અમે કોઈ ગુનેગાર હોઈએ.” આ પહેલાં પણ અમેરિકી સત્તાવાળાઓએ ભારતીય નાગરિકોને હથકડી પહેરાવીને પરત મોકલ્યા હતા, જેના કારણે ભારે વિરોધ થયો હતો. અનેક માનવ અધિકાર સંગઠનોએ અમેરિકા પ્રશાસનના આ વર્તનને અયોગ્ય ગણાવી ભારત સરકારને અપીલ કરી હતી કે ભારતીય નાગરિકોને માન–સન્માન સાથે પરત લાવવામાં આવે.
સત્તાવાર માહિતી મુજબ, 35માંથી 16 લોકો કરનાલ, 14 કૈથલ અને 5 કુરુક્ષેત્ર જિલ્લાના હતા. સૌને તેમના સંબંધિત જિલ્લાઓમાં લઈ જવામાં આવ્યા અને પરિવાર સાથે ફરી મળાવાયા હતા. કરનાલના પોલીસ અધિક્ષક ગંગારામ પુનિયાએ જણાવ્યું કે બધા લોકો અલગ–અલગ ગામોમાંથી આવ્યા હતા.
કૈથલના ડી.એસ.પી. લલિત કુમારે જણાવ્યું કે, રવિવારે 14 લોકોને દિલ્હી એરપોર્ટથી કૈથલ પોલીસ લાઇનમાં લાવવામાં આવ્યા હતા. આ લોકો અમેરિકા પ્રવેશ માટે જોખમી માર્ગ અપનાવી રહ્યા હતા. તેઓ કૈથલ, કલાયત, પુંડરી, ઢાંડ અને ગુહલા વિસ્તારોના રહેવાસી હતા. તેમની વય 25 થી 40 વર્ષની વચ્ચે છે. ઘણા લોકોએ અમેરિકા પહોંચવા માટે પોતાની જમીન વેચી દીધી, ઉધાર લીધા અને બચતનો પૈસો ખર્ચી દીધો. પરંતુ ટ્રમ્પ પ્રશાસનની કડક ઇમિગ્રેશન નીતિઓ બાદ આ બધા ગેરકાયદેસર માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે.