ગાંધીનગરમાં જોખમી બનેલા 3126 જર્જરિત સરકારી આવાસોને તોડી પડાશે
ગાંધીનગરઃ પાટનગર એવા ગાંધીનગર શહેરમાં જુદા જુદા વિભાગોની અનેક કચેરીઓ તેમજ બોર્ડ-નિગમોની કચેરીઓ આવેલી છે. સરકારી કચેરીઓના કર્મચારીઓને રહેવા માટે ક્વાટર્સ ફાળવવામાં આવે છે. અને હાલ મોટા ભાગના ક્વાટર્સ ચારથી પાંચ દાયકા જુના હોવાથી જર્જરિત બની ગયા છે. આથી ક્વાટર્સ ખાલી કરાવીને તે જગ્યા પર કર્માચારીઓને માટે હાઈરાઈઝ બિલ્ડિંગો બનાવવામાં આવી રહ્યા છે. તેમજ શહેરના સેક્ટરોમાં વિવિધ કક્ષાના જોખમી સરકારી આવાસો તોડવા માટેનું કામ તબક્કાવાર હાથ ધરવામાં આવી રહ્યું છે. અગાઉ આવાસોનો સ્ટ્રકચરલ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેના અંતે ભયજનક આવાસોનો હવે ઝડપથી નિકાલ કરવામાં આવી રહ્યો છે. જયારે સર્વેના અંતે ધ્યાને આવેલા શહેરના સેક્ટરોમાં સ્થિત વિવિધ કક્ષાના જોખમી મકાનો આ વર્ષમાં તોડવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. સેક્ટરોમાં જુદી જુદી કક્ષાના 3126 જોખમી મકાનો તોડવાની મંજૂરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા આપી દેવામાં આવી છે જેથી હવે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગરમાં સરકારી આવાસ 40થી 50 વર્ષ જુના છે. અગાઉ હાથ ધરાયેલા સર્વે મુજબ 3126 જેટલા જોખમી મકાનો ધ્યાને આવ્યા હતા તંત્ર દ્વારા આ આવાસો તોડવા માટે વિભાગને દરખાસ્ત કરવામાં આવી હતી. હવે આ આવાસો તોડીને તે જગ્યા ખુલ્લી કરાશે. ચારથી પાંચ દાયકા બાદ મોટાભાગના મકાનો રહેણાંકને લાયક રહ્યા નથી જેથી પાટનગર યોજના વિભાગે તબક્કાવાર જોખમી આવાસો તોડી પાડી સેક્ટરોમાં નવી ટાવર કોલોની બનાવાઇ રહી છે. હાલ પણ અંદાજિત 1400 જેટલા મકાનો તૈયાર કરાઇ રહ્યા છે. જયારે જૂના અને જોખમી આવાસો ઉતારી પાડી ખુલ્લી જગ્યામાં નવા આવાસો બનાવાશે.