30મો વિશ્વ ટીવી દિવસઃ એક જમાનામાં ઈડિયટ બૉક્સ તરીકે બદનામ થયેલા આ ઉપકરણે દુનિયામાં કેવું પરિવર્તન આણ્યું?
અલકેશ પટેલઃ અમદાવાદ, 21 નવેમ્બર, 2025: World Television Day વર્તમાન સમયમાં જે સ્માર્ટફોનને કારણે પ્રત્યેક ઘરમાં ટેન્શન છે એવું જ ટેન્શન એક જમાનામાં ટેલિવિઝનને કારણે હતું. આજે જેમ સાવ નાનાં બાળકોથી લઈને યુવાનો અને અમુક કિસ્સામાં તો આધેડ વયના લોકોને પણ સ્માર્ટફોનનું વળગણ છૂટતું નથી એવી જ સ્થિતિ ખાસ કરીને ભારતમાં 1980ના દાયકા બાદ હતી. બાળકો કાર્ટૂન ચૅનલો સામે ગોઠવાયેલાં રહેતાં તો મોટેરા ટીવી સિરિયલો અને હિન્દી ફિલ્મો જોવામાં સમય પસાર કરતા. જેમના ઘરે ટીવી હોય તેમના ઘરે મહાભારત સિરિયલ અને ક્રિકેટ મેચ જોવા આડોશી-પાડોશી ઉપરાંત સગાવહાલા પણ પહોંચી જતા.
ધીમેધીમે ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લગભગ તમામ ઘરમાં ટીવી આવી ગયા બાદ બુદ્ધિજીવીઓએ તેને ઈડિયટ બૉક્સ Idiot Box ગણાવ્યું અને બાળકોને તેનાથી શક્ય તેટલા દૂર રાખવા વાલીઓને સમજાવવાનું શરૂ કર્યું. બાળકોનું ટીવીનું વળગણ કેવી રીતે છોડાવી શકાય તે માટેના કાઉન્સેલિંગ થવા લાગ્યા હતા અને અખબારોમાં ધોધમાર કૉલમો છપાતી હતી. અનેક લોકોને એ સ્થિતિ પણ યાદ હશે જ્યારે પરિવારમાં કોઈ બાળક 10મા ધોરણમાં કે 12મા ધોરણમાં આવે ત્યારે બોર્ડની પરીક્ષાને કારણે કાંતો ટીવીનું વાયરિંગ કાઢીને સદંતર બંધ કરી દેવામાં આવતું અથવા ટીવી જોવા માટેના રીતસર મર્યાદિત કલાક નક્કી થતા.
એ પછી કેટલાક ડાહ્યા લોકોને ટીવીને શિક્ષણનું માધ્યમ બનાવવાનું સૂઝ્યું અને એ રીતે ટીવીના ઉપયોગમાં પરિવર્તન પણ આવ્યું. ગુજરાતમાં ડિસ્ટન્સ લર્નિંગ માટે ટીવીનો શ્રેષ્ઠ ઉપયોગ શરૂ થયો હતો. જેનો પ્રારંભ 1992ની 19 સપ્ટેમ્બરે થયો હતો.
આજે આ બધી વાતો યાદ કરવાનું ખાસ કારણ છે. આજે 30 વિશ્વ ટેલિવિઝન દિવસ છે. જે રીતે વર્ષ દરમિયાન વિવિધ ખાસ દિવસોની ઉજવણી થાય છે તે અનુસંધાને સંયુક્ત રાષ્ટ્ર (યુએન) દ્વારા 1996માં એક ઠરાવ પસાર કરીને દર વર્ષે 21 નવેમ્બરે વિશ્વ ટેલિવિઝન દિવસ નિર્ધારિત કર્યો હતો. ત્યારથી પ્રતિવર્ષ આજના દિવસે, અર્થાત 21 નવેમ્બરે આ ઈડિયટ બૉક્સને અલગ અલગ રીતે યાદ કરવામાં આવે છે.
જનતાને માહિતી આપવા, શિક્ષિત કરવા અને મનોરંજન પીરસવામાં ટેલિવિઝનની ભૂમિકા મુખ્ય છે. ટેલિવિઝનના શરૂઆતના દિવસો બ્લેક એન્ડ વ્હાઈટ પ્રસારણ સુધી મર્યાદિત હતા, જેમાં થોડી ચેનલો અને મર્યાદિત કાર્યક્રમો પ્રસારિત થતા હતા. 1950 ના દાયકામાં રંગીન ટેલિવિઝનની રજૂઆત સાથે સ્થિતિ ઘણી બદલાઈ હતી. ત્યારબાદ 1980 ના દાયકામાં કેબલ અને સેટેલાઇટ અને પછી 1990 અને 2000 ના દાયકામાં ડિજિટલ અને સ્માર્ટ ટીવી જેવી તકનીકી પ્રગતિ થઈ, જેને કારણે પસંદગીનો અવકાશ વધ્યો, ગુણવત્તા સુધરી અને ઇન્ટરનેટ-આધારિત સ્ટ્રીમિંગ પણ શરૂ થયું.
વિશ્વ ટેલિવિઝન દિવસ: ઇતિહાસ
21 નવેમ્બરના રોજ વિશ્વ ટેલિવિઝન દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો ઇતિહાસ ૧૯૯૬માં પ્રથમ વિશ્વ ટેલિવિઝન ફોરમથી શરૂ થાય છે, જ્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ૨૧ નવેમ્બરને વિશ્વ ટેલિવિઝન દિવસ તરીકે જાહેર કર્યો હતો. આ માટેનો ઠરાવ ૧૭ ડિસેમ્બર ૧૯૯૬ના રોજ પસાર થયો હતો. (ઠરાવ ૫૧/૨૦૫). ૨૧ અને ૨૨ નવેમ્બર, ૧૯૯૬ના રોજ, સંયુક્ત રાષ્ટ્રએ પ્રથમ વિશ્વ ટેલિવિઝન ફોરમનું આયોજન કર્યું હતું, જેમાં ટોચના મીડિયા વ્યક્તિઓ સંયુક્ત રાષ્ટ્રના નેજા હેઠળ આજના બદલાતા વિશ્વમાં ટીવીના વધતા મહત્વની તપાસ કરવા અને તેઓ તેમના પરસ્પર સહયોગને કેવી રીતે સુધારી શકે છે તે નક્કી કરવા માટે ભેગા થયા હતા.
વિશ્વ ટેલિવિઝન દિવસ ૨૦૨૫: મહત્ત્વ
વિશ્વ ટેલિવિઝન દિવસનો હેતુ ટેલિવિઝન આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તે સ્વીકારવાનો છે. આ ઉપકરણ લોકોને વૈશ્વિક સ્તરે જોડવાની, શિક્ષિત કરવાની, માહિતી આપવાની અને સંસ્કૃતિઓ અને સરહદો પાર સકારાત્મક પરિવર્તનને પ્રોત્સાહન આપવાની ક્ષમતા ધરાવે છે. મહત્વપૂર્ણ મુદ્દાઓ વિશે જનતાને માહિતી આપીને અને સામાજિક પડકારો વિશે જાગૃતિ લાવીને સામાજિક પરિવર્તન માટેનું પણ આ એક શક્તિશાળી માધ્યમ છે.
જોકે, સમય ઘણો બદલાયો છે. ટેકનોલોજીએ એટલી મોટી હરણફાળ ભરી છે કે હાલના ડિજિટલ યુગમાં ટેલિવિઝન કાર્યક્રમોનું નિર્માણ પણ વર્ચ્યુઅલ રિયાલિટી (VR), ઓગમેન્ટેડ રિયાલિટી (AR) અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવી ટેકનોલોજીથી થઈ રહ્યું છે. એવું કહેવું અતિશયોક્તિ નહીં ગણાય કે, ભવિષ્યના ટીવી ફક્ત મનોરંજન અને માહિતી આપવા ઉપરાંત કૃત્રિમ બુદ્ધિ(AI)ની શક્તિનો ઉપયોગ કરીને અને ટેલિવિઝન જોવાનો આપણો અનુભવ જડમૂળથી બદલી નાખશે.