ગુજરાતમાંથી 300 બાંગ્લાદેશી ઘૂંસણખોરોને ખાસ વિમાનમાં રવાના કરાયા
- ખાસ વિમાનને અગરતલા ઉતારી ઘૂંસણખોરોને વાહનોમાં તેમના દેશ મોકલાયા
- અમેરિકન સ્ટાઈલમાં કરાયું મેગા ઓપરેશન
- અન્ય પકડાયેલા બાંગ્લાદેશીઓને પણ તેમના દસ્તાવેજોની ચકાસણી બાદ હાંકી કઢાશે
અમદાવાદઃ કાશ્મીરના પહલગામમાં આતંકીઓ દ્વારા પ્રવાસીઓ પર હુમલા ગુજરાતમાં પોલીસે ગેરકાયદે ઘૂસી આવેલા બાંગ્લાદેશીઓને પકડવા મેગા ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં ઘણાબધા બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે અમદાવાદ, સુરત સહિત રાજ્યભરનાં જુદાં જુદાં શહેરોમાંથી પકડેલા અને ગેરકાયદે રીતે અહીં રહેતા 300 થી વધુ બાંગ્લાદેશીઓને ખાનગી એરક્રાફટ મારફતે બાંગ્લાદેશ પાછા ધકેલી દીધા હોવાનું આધારભૂત જાણવા મળ્યું છે.
કાશ્મીરના પહેલગામ હુમલા પછી 27 એપ્રિલે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને પકડવા માટે એક સાથે અમદાવાદ, સુરતમાં મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. અમદાવાદમાંથી 800 જયારે સુરતમાંથી 134 બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા તમામના દસ્તાવેજો તપાસવામાં આવ્યા હતા અને તેમની પાસે મળેલા દસ્તાવેજોના આધારે તેઓ ગેરકાયદે રહે છે કે કેમ તેની તપાસ કરવામાં આવી હતી. સુરતમાં 134 માંથી 90 વ્યકિતઓ ગેરકાયદે હોવાનું તપાસમાં ખૂલ્યુ હતુ. અમદાવાદમાં પણ 200 થી વધુ બાંગ્લાદેશીઓ ગેરકાયદે રહેતા હોવાનું બહાર આવ્યું હતુ. આ પછી બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. ગુપ્તરીતે એરક્રાફટથી અલગ અલગ રીતે 300 થી વધુ બાંગ્લાદેશીઓને ત્યાં છોડી દેવાયા છે. અગરતલા ખાતે ખાનગી એરક્રાફટને ઉતારી ત્યાંથી ખાનગી ગાડીઓ મંગાવી તેમાં બાંગ્લાદેશીઓને છોડી દેવાયા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, તમામ ગેરકાયદે ઘૂસણખોરોને વડોદરા એરફોર્સ સ્ટેશન ખાતેથી ડિફેન્સના એરક્રાફ્ટથી ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. અમદાવાદ, સુરત સહિત રાજ્યભરમાંથી બાંગ્લાદેશીઓને બસ ભરીને એસ્કોટિંગ સાથે વડોદરા લઇ જવાયા હતા અને ત્યાંથી હવાઇ માર્ગે ડિપોર્ટ કરાયા હતા. કેન્દ્ર સરકારની મંજુરી બાદ ગેરકાયદે બાંગ્લાદેશીઓને પોતાના વતન પાછા મોકલવાની કાર્યવાહી ગુજરાત પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. આખું ઓપરેશન ગુપ્ત રીતે રાજય સરકારની સીધી સૂચનાથી એક ઓફિસરની દેખરેખમાં પાર પાડવામાં આવ્યું હતુ. જે દિવસે અમદાવાદ અને સુરતમાં બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા તે દિવસથી જ ડિપોર્ટ ઓપરેશન હાથ ધરાયું હતું.