રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઉંદરો પકડવા માટે 30 પાંજરા મુકાયા
- સિવિલ હોસ્પિટલના PMSSY અને OPD બિલ્ડિંગમાં સૌથી વધુ ઉંદરોનો ત્રાસ
- 40થી વધુ ઉંદરો પકડીને શહેર બહાર છોડી મુકાયા
- પેસ્ટ કંટ્રોલ એજન્સીને હોસ્પિટલના સત્તાધિશોએ આપી સુચના
રાજકોટઃ શહેરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ઉંદરો પરેશાન કરી રહ્યા છે. ખાસ કરીને PMSSY તેમજ OPD બિલ્ડિંગમાં ઉંદરોનો સૌથી વધુ ત્રાસ જોવા મળી રહ્યો છે. તબીબી ઉપકરણોને પણ ઉંદરો નુકશાન પહોંચાડી રહ્યા છે. આ અંગેની ફરિયાદો ઉઠતા સિવિલ હોસ્પિટલ તંત્ર સફાળું જાગ્યું છે. અને બંને બિલ્ડિંગોમાં ઉંદરો પકડવાના 30 પાંજરા મુકવામાં આવ્યા હતા. જેમાં બે દિવસમાં જ 40 જટેલા ઉંદરો પાંજરામાં પુરાયા હતા, પાંજરે પુરાયેલા તમામ ઉંદરોને શહેર બહાર ખુલ્લી જગ્યામાં સલામત સ્થળે છોડી મુકાયા છે. સિવિલ હોસ્પિટલમાં ઉંદરો ઉપરાંત વંદા અને ઉધઈ પણ જોવા મળી રહી છે. ત્યારે પેસ્ટ કંટ્રોલની કામગીરી શરૂ કરવા માટે સુચના આપવામાં આવી છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલના PMSSY અને OPD બિલ્ડિંગમાં ઉંદરોના ત્રાસથી દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. હોસ્પિટલના જુદા જુદા ફ્લોર પર ઉંદરો રાત્રિ દરમિયાન આવીને ત્યાં પડેલા ફળો તેમજ નાસ્તો ખરાબ કરતા હોવાનું તેમજ દર્દીઓને કરડતા હોવાની ફરિયાદો ઉઠતા સિવિલ હોસ્પિટલનું તંત્ર સફાળું જાગ્યું છે. અને જે સ્થળે ઉંદરનો વધુમાં વધુ ત્રાસ હોય તેવા સ્થળોએ મુકવા માટે 30 જેટલા પાંજરાઓની ખરદી કરવામાં આવી હતી. અને સાંજ સુધીમાં તમામ સ્થળે ગોઠવી દેવામાં આવતા ઉંદરો પાંજરામાં પુરાવા છે. છેલ્લા બે દિવસમાં કુલ 40 જેટલા ઉંદરો પાંજરામાં પુરાયા છે. આ અંગે સિવિલ હોસ્પિટલના અધિક્ષકએ જણાવ્યું હતું. કે ટૂંક સમયમાં પેસ્ટ કંટ્રોલની કામગીરી પણ શરૂ કરવામાં આવશે. એટલું જ નહીં ઉંદરો ભૂગર્ભ ગટરમાંથી આવતા હોવાને કારણે ત્યાં પણ વનવે ઢાંકણાં મુકવા માટે પીઆઇયુ વિભાગને જાણ કરી દેવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં 30 જેટલા પાંજરાઓ મુકવામાં આવ્યા હતા. જેમાં બે દિવસમાં જ 40 જેટલા ઉંદરો પકડાયા છે. આ તમામને શહેર બહાર સાવ ખુલ્લી જગ્યામાં કોઇને નુકસાન ન થાય તે રીતે છોડવામાં આવી રહ્યા છે. તેમજ આગામી સમયમાં વંદાઓ અને ઉધઈ સહિતના જીવજંતુઓનો ત્રાસ ન ફેલાય તે માટે ખાસ પેસ્ટ કંટ્રોલ કરવા એજન્સીને પણ આદેશ આપવામાં આવ્યો છે. તેમજ ઉંદરો ભૂગર્ભ ગટરમાંથી આવતા હોય ત્યાં વનવે ઢાંકણાં મુકવા માટે પીઆઇયુ વિભાગને પણ જાણ કરવામાં આવી છે. આગામી સમયમાં આવી કોઇપણ મુશ્કેલી ઉભી ન થાય તે માટે તંત્ર સતત સતર્ક હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.