ગોવામાં 43 કરોડના કોકેનના જથ્થા સાથે દંપતિ સહિત 3 શખ્સો ઝડપાયાં
પણજીઃ ગોવામાં ચોકલેટ અને કોફીના પેકેટમાં છુપાવીને કોકેનની હેરાફેરીના પોલીસે રેકેટનો પર્દાફાશ કરીને એક દંપતિ સહિત 3 વ્યક્તિઓને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 43 કરોડની કિંમતનું 4 કિલો કોકેન જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે. કોકેન સાથે ઝડપાયેલી મહિલા તાજેતરમાં જ થાઈલેન્ડથી આવી હોવાનું ખૂલતા વિદેશી નાગરિકોની સંડોવણીને લઈને પણ આગવી ઢબે તપાસ શરૂ કરવામાં આવી છે. આ રેકેટમાં આગામી દિવસોમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્તથઈ રહી છે.
ગોવામાં પોલીસે ચોકલેટ અને કોફીના પેકેટમાં છુપાવેલું 43 કરોડ રૂપિયાનું 4 કિલોથી વધુ કોકેન જપ્ત કર્યું છે. આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ગોવાના ઇતિહાસમાં ડ્રગ્સની આ સૌથી મોટી જપ્તી છે. પોલીસ અધિક્ષક (ક્રાઈમ) રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે દક્ષિણ ગોવાના ચિકાલિમ ગામમાં કોકેઈન રાખવા બદલ પતિ-પત્ની અને અન્ય એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. ચોકલેટ અને કોફીના 32 પેકેટમાં 4.32 કિલો કોકેન છુપાવવામાં આવ્યું હતું. પોલીસે નિબુ વિન્સેન્ટ અને એક દંપતિની ધરપકડ કરી છે. આરોપી મહિલાએ તેના પતિ અને વિન્સેન્ટની સંડોવણી સાથે દાણચોરી માટે એક સ્ત્રોત પાસેથી પેકેટ ખરીદ્યા હતા.
પોલીસે જણાવ્યું હતું કે તેઓ આટલા મોટા જથ્થામાં ડ્રગ્સના સ્ત્રોતની તપાસ કરી રહ્યા છે. પોલીસ સંભવિત આંતરરાષ્ટ્રીય ખૂણાની પણ તપાસ કરી રહી છે, કારણ કે મહિલા તાજેતરમાં થાઇલેન્ડની મુલાકાતે ગઈ હતી. મહિલાએ અગાઉ વેશ્યાવૃત્તિના કેસમાં ત્રણ મહિનાની જેલની સજા ભોગવી હતી, જ્યારે તેના પતિનો પણ ગુનાહિત રેકોર્ડ છે. આ જ કિસ્સામાં, મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ટ્વિટર પર લખ્યું કે રાજ્યમાં અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ રિકવરીમાં પ્રશંસનીય પ્રયાસો અને ત્વરિત કાર્યવાહી બદલ ગોવા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચને અભિનંદન.