અમદાવાદમાં રિવરફ્રન્ટ રોડ પર એક્ટિવા સ્લીપ થતાં 3 સગીર બેભાન
- પૂરફાટ ત્રણ સવારી જતું એક્ટિવા સ્લીપ થયાં સગીરો રોડ પર પટકાયા,
- આજુબાજુના લોકો દોડી આવીને ત્રણેયને બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડ્યા,
- સગીરને એક્ટિવા આપનારા પિતા સામે પોલીસે ગુંનો નોંધ્યો
અમદાવાદઃ શહેરમાં કેટલાક વાલીઓ પોતાના બાળકોને વાહનો ચલાવવા માટે આપી દેતા હોય છે. પણ જ્યારે આવા બાળકો અકસ્માત કરે ત્યારે તેના વાલીઓને મુશ્કેલીમાં મુકાવવું પડે છે. શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર જમાલપુર બ્રિજ નજીક એક્ટિવા પર ફુલ સ્પીડમાં ત્રિપલ સવારી જઈ રહેલા ત્રણ સગીરો એકટિવા સ્લીપ ખાતાં રોડ પર પટકાયા હતા. અને ગંભીર ઈજાને કારણે રોડ પર બેભાન અવસ્થામાં પડ્યા હતા. આ અકસ્માતને લીધે લોકો દોડી આવ્યા હતા. કેટલાક લોકો અકસ્માતના બનાવનો વિડિયો ઉતારવા લાગ્યા હતા. આ બનાવની 108ને જાણ કરાતા એમ્બ્યુલન્સમાં ત્રણેય સગીરોને હોસ્પિટલ ખસેડાયા હતા. આ બનાવમાં પોલીસે એક્ટિવા ચલાવવા માટે આપનારા સગીરના પિતા સાણે જ ફરિયાદ નોંધી છે.
શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર જમાલપુર બ્રિજ નજીક ગઈકાલે સાંજે 3 સગીરના અકસ્માત બાદ રોડ પર બેભાન હાલતમાં પડેલા હતા. ગંભીર હાલતમાં ત્રણેય સગીર પડેલા હતા અને થોડેક દૂર એક એક્ટિવા પણ પડ્યું હતું. આ અંગે રસ્તા પર આવતા જતા લોકોએ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી. જેથી ત્રણેય સગીરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે આ મામલે સગીરોને એક્ટિવા આપનાર પિતા સામે એમવી એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના જમાલપુર અટલ બ્રિજ પાસે રિવરફ્રન્ટ રોડ પર ગઈકાલે સાંજે એક્ટિવા પર જઈ રહેલા ત્રણ સગીર સ્લીપ થઈને રોડની બાજુમાં ફૂટપાથ પર બેભાન અવસ્થામાં ઇજાગ્રસ્ત પડ્યા હતા. ઈજાગ્રસ્ત સગીરોને જોઈને આસપાસના લોકો ઉભા રહી ગયા હતા. લોકોએ ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ મોકલ્યા હતા. પોલીસને જાણ થતા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. બી ડિવિઝન ટ્રાફિક પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસની એક ટીમ હોસ્પિટલ પહોંચી હતી. ત્યારે ત્રણેય ઇજાગ્રસ્ત સગીર હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ મામલે સગીરને એક્ટિવા આપનારા તેના પિતા સબાબુદ્દીન નાગોરી સામે એમવી એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. આરોપી શાહપુરનો રહેવાસી છે.