સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમા મેળોના ત્રીજા દિવસે 3 લાખ લોકો ઉમટી પડ્યાં
- લોકગાયક કિર્તીદાને શ્રોતાઓને તરબોળ કર્યા,
- સોમનાથ ટ્રસ્ટ દ્વારા મેળાને માણવા આવેલા લોકો માટે કરાઈ વ્યવસ્થા,
- મેળાના ત્રીજા દિવસે પણ વેપારીઓને અદભુત પ્રતિસાદ મળ્યો
વેરાવળઃ સોમનાથ ટ્રસ્ટ આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળાના ત્રીજા દિવસે મેળાનું સ્વરૂપ પોતાની ચરમસીમાએ પહોંચ્યું હતું. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકો કાર્તિકી પૂર્ણિમાનો મેળો માણવા સોમનાથ દાદાના સાનિધ્યમાં ઉમટી પડ્યા હતા, મેળાને માણવા આવતા લોકો માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશાળ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. લોકો નિશ્ચિંત પણે મેળામાં પ્રવેશી પોતાના પરિવારો સાથે મેળાનો સાત્વિક આનંદ માણી રહ્યા હતા.
સોમનાથમાં યોજાયેલા કાર્તિકી પૂર્ણિમાંના મેળાના ત્રીજા દિવસે મેળાનું સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર વિશ્વપ્રસિદ્ધ લોકગાયક કિર્તીદાન ગઢવીનો લોક ડાયરો હતો. કિર્તીદાન ગઢવીએ સોમનાથ મહાદેવની આરાધનાથી શરૂ કરી લોક ડાયરોનો પ્રારંભ કરાવ્યો હતો, અને મધ્યરાત્રી સુધી અનેક જૂના લોકગીતો, ભક્તિ ગીતો, શોર્ય ગીતો, દેશભક્તિના ગીતો પીરસતા લોકોએ ડાયરાની મોજ માણી હતી. અને તેમાં પણ જ્યારે સોમનાથ મહાદેવની આરતી કિર્તીદાન ગઢવીના મુખે ગવાતી હોય લાખો શ્રદ્ધાળુ એકઠા થયા હોય ત્યારે લોકોએ પોતાના ફોનની ટોર્ચ લાઈટ શરૂ કરી ડિજિટલ આરતી કરી હતી. તેમજ આરતીના અંતે જય સોમનાથ અને હર હર મહાદેવનો નાદ જ્યારે એકી સાથે લાખો શ્રદ્ધાળુઓએ કર્યો ત્યારે મેળામાં આવનારા સૌ કોઈએ શિવત્વનું સાનિધ્ય પ્રાપ્ત કર્યું હોય તેવી અનુભૂતિ થઈ હતી.
કાર્તિકી પૂનમના મેળાના ત્રીજા દિવસે પણ નાના બાળકોની રાઇડ્સ, ખાણી-પીણી, રાચરચીલું, ઇન્ડેક્સ-સી હસ્તકલા અને લલિત કલા ગેલેરી, સહિતના તમામ એકમો અને વેપારીઓને અદભુત પ્રતિસાદ મળ્યો હતો. વેપાર ની અંદર ઉત્તરોત્તર પ્રગતિ જોઈ વેપારીઓ પણ આનંદિત થયા હતા. સાથે જ વેપારીઓના જણાવ્યા અનુસાર પ્રતિ વર્ષની સાપેક્ષમાં લોકોની ખરીદ શક્તિ વધી હોય તેઓ વેપારીઓને સ્પષ્ટ અનુભવ થયો હતો. આમ લોકોની સુરક્ષા અને સુખાકારીને કેન્દ્રસ્થાને રાખીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત કલા વ્યંજન અને આનંદથી ભરપૂર કાર્તિકી પૂર્ણિમા મેળાને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.