રાજકોટના એટ્લાન્ટિસ બિલ્ડિંગના 5માં અને 6ઠ્ઠા માળે આગ લાગતા 3નાં મોત
- હાઇડ્રોલિક લિફ્ટથી લોકોને નીચે ઉતારાયા
- પોલીસ કમિશનર સહિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા,
- બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો
રાજકોટઃ શહેરના 150 ફૂટ રિંગરોડ પર આવેલા એટ્લાન્ટિસ બિલ્ડિંગના પાંચમાં અને છઠ્ઠા માળે આગ લાગતા અફડા-તફડી મચી ગઈ હતી. આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે. આગ લાગ્યાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને ફ્લેટ્સમાં ફસાયેલા રહિશોને હાઈડ્રોલિક લિફ્ટથી નીચે ઉતારાયા હતા. દરમિયાન બે કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.
રાજકોટ શહેરના 150 ફૂટ રિંગરોડ પર આવેલી એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં પાંચમાં અને છઠ્ઠા માળે આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરની ટીમ આગ બુઝાવવા ભારે જહેમત ઊઠાવી હતી. આગમાં ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ દોઢથી બે કલાક સતત પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં આવ્યો હતો. છઠ્ઠા માળે ફ્લેટમાં ફર્નિચર કામ ચાલુ હતું જેમાં શોર્ટસર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
ફાયપબ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, આગ લાગ્યાની જાણ થતાં જ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ઉપરના માળે ફસાયેલા લોકોને હાઇડ્રોલિક લિફ્ટ મારફતે નીચે ઉતારાયા હતા. આગમાં ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા છે. જેમને હાલ પોસ્ટ મોર્ટમ ખાતે મોકલવામાં આવ્યા છે. નોંધનીય છે કે, હજુ સુધી આગ લાગવાનું કોઈ નક્કર કારણ સામે નથી આવ્યું. ફાયર અને પોલીસની ટીમ દ્વારા આગ લાગ્યાના કારણો શોધવા તપાસ હાથ ધરવામાં આવી છે. આગ લાગ્યાની જાણ થતાં રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ ઝા સહિત અધિકારીઓ દોડી આવ્યા હતા.
એસીપી બી.જે.ચૌધરીએ જણાવ્યું કે આજે ધૂળેટીના દિને સવારે 9થી 10 વાગ્યાની વચ્ચે 150 ફૂટ રિંગરોડ પર આવેલ એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગી હતી. પાંચમાં અને છઠ્ઠા માળે આગ લાગી હતી. જેમાં 3 લોકોના મૃત્યુ થયા છે. એક ઈજાગ્રસ્તને હાલમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી,. પણ પ્રાથમિક દ્ર્ષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું સામે આવ્યું છે. હાલમાં આગ કાબૂમાં છે, બધા માણસોનું રેસ્ક્યું કરી લેવામાં આવ્યું છે.