અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કાર અકસ્માતમાં 3નાં મોત, રાજ્યમાં 4 અકસ્માતમાં 7નાં મોત
- નડીયાદ પાસે કારનું ટાયર ફાટતાં કાર ડિવાઈડર કૂદીને ટ્રકમાં ઘૂંસી ગઈ,
- દાહેદમાં તાયણી ગામ પાસે બે બાઈક સામસામે અખડાતા 3ના મોત,
- વટામણ હાઈવે પર બસ અને ટ્રક અથડાયા,
અમદાવાદઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. આજે જુદા જુદા 4 અકસ્માતોના બનાવોમાં 7 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 15થી વધુ લોકો ઘવાયા હતા. પ્રથમ અકસ્માતનો બનાવ નડિયાદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પૂરપાટ જતી કારનું ટાયર ફાટી જતાં કાર ટ્રક સાથે અથડાતા ત્રણ લોકોના મોત થયા હતા. અકસ્માતના પગલે એક્સપ્રેસ હાઇવે પર અંદાજીત 15 કિલોમીટર જેટલો ટ્રાફિકજામ થયો હતો. અકસ્માતનો બીજો બનાવ દાહોદના તોયણી ગામે મોડી રાતે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈકસવાર 3 યુવકોના મોત થયા હતા. ત્રીજો અકસ્માત બગોદરા-વટામણ હાઇવે પર સર્જાયો હતો. જેમાં તારાપુર ચોકડી નજીક ખાનગી કંપનીની લકઝરી બસ અને ટ્રક અથડાયા હતા. અકસ્માતની ચોથી ઘટના સુરતમાં બની હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું.
પ્રથમ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક મંગળવારની મોડી રાત્રે બિલોદરા બ્રિજ નજીક એક ગોઝારા અકસ્માત સર્જાયો હતો. જેમાં પસાર પૂરપાટ જતી કારનું ટાયર ફાટતા કાર ડિવાઈડર કૂદી રોગ સાઈડે ઘૂસી હતી અને સામેથી આવી રહેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ બનાવમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં સવાર એક મહિલા સાથે બે પુરુષોના મોત થયા હતા. જ્યારે બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
બીજો અકસ્માત દાહોદના દેવગઢ બારીયા તાલુકાના તોયણી ગામ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક બાઈક પર સવાર ત્રણ યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા એકનુ ઘટનાસ્થળે મોત નિપજ્યુ જ્યારે અન્ય બે યુવકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા, જ્યારે બીજી બાઈક પર સવાર ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યા છે.
આ અકસ્મતના બનાવની વિગતો એવી છે કે, દેવગઢ બારીઆ તાલુકાના તોયણી ગામે પીપલોદ-રણધીકપુર રોડ પર ગત મોડી રાત્રે બે મોટરસાયકલ વચ્ચે ધડાકાભેર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો, અકસ્માતની ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ અકસ્માત અંગેની જાણ કરતા ઈમરજન્સી એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામા આવ્યા હતા, અકસ્માત દરમિયાન બંન્ને બાઇક પર ત્રણ ત્રણ લોકો સવાર હતા, જેમા એક બાઇક સવાર ત્રણ પિતરાઈ ભાઈઓને ગંભીર જીવલેણ ઈજાઓ થતા એક યુવકનુ ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતુ જ્યારે અન્ય 2 યુવકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય એક બાઇક સવાર ત્રણ ઈસમો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે વડોદરા હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યા છે, વડેલા ગામના ત્રણ પિતરાઈ ભાઈઓના મોત નિપજતા પરિવારમા શોકનુ મોજુ ફરી વળ્યુ છે.
ત્રીજો અકસ્માત બગોદરા-વટામણ હાઇવે પર થયો છે. તારાપુર ચોકડી નજીક ખાનગી કંપનીની લક્ઝરી બસ અને ટ્રક ભટકાતા 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ સુરતથી જૂનાગઢ જતી એક ખાનગી લક્ઝરી બસના ચાલકને ઝોકું આવતાં બસ આગળ જતી ટ્રકની પાછળ ધડાકાભેર ટકરાઈ હતી. જેમાં 10 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાં 6 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
અકસ્માતની ચોથી ઘટના સુરતમાં બની હતી. સુરતના કામરેજ તાલુકાના નવી પારડી ગામની સીમમાં પસાર થતા નેશનલ હાઇવે પર કામરેજ સુગર નજીક એક શ્રમજીવી હાઇવે ક્રોસ કરી રહ્યો હતો. તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા અજાણ્યા વાહને આ રાહદારીને અડફેટમાં લીધો હતો. જેને લઇને રાહદારી હાઇવે પર ફંગોળાઈ ગયો હતો અને શરીરે ગંભીર ઈજાઓ થતા તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ભાગી ગયો હતો.