વડોદરાના ગોપાલપુરા પાસે બોલેરો અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા 3ના મોત
- મૃતકોમાં પોલીસ કર્મચારીનો સમાવેશ
- લગ્નમાં હાજરી આપીને ત્રણેય મિત્રો બાઈક પર પરત ફરી રહ્યા હતા
- બોલેરોચાલકને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો
વડોદરાઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ ગોપાલપુરા પાસે બોલેરો અને બાઈક વચ્ચે સર્જાયો હતો. જેમાં બાઈકસવાર ત્રણ યુવાનોના મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં બોલેરોચાલકને પણ ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.
વડોદરા નજીક એક બોલેરો પીકઅપે બાઇકને અડેફેટે લેતા 3 લોકોના મોત નીપજ્યા હતા. મૃતકોમાં એક પોલીસકર્મીનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માતમાં સુરેશ નેરસિંગ રાઠવા અને હરેશ રામસિંગ રાઠવાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થઈ ગયું હતુ. જ્યારે ગંભીર રીતે ઘાયલ મુકેશ રાઠવાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ યુવકને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.
આ બનાવની વિગતો એવી છે કે, વડોદરા નજીક આવેલા ડભોઇના ગોપાલપુરા પાસે બોલેરો અને બાઇક વચ્ચે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ક્વાંટ ગામે લગ્નમાં હાજરી આપવા ગયેલા ત્રણ મિત્રોને બાઈક પરત ફરતી વખતે બોલેરોએ ટક્કર મારી હતી. અકસ્માતમાં મોતને ભેટેલા મુકેશ રાઠવા કપુરાઇ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા. તેઓ મૂળ તુરખેડા જિલ્લો છોટાઉદેપુરના રહેવાસી છે.જ્યારે મૃતક સુરેશ રાઠવા અને હરેશ રાઠવા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના કનલવા ગામના રહેવાસી છે અને તેમણે તાજેતરમાં પીએસઆઇની પરીક્ષા આપી હતી. આ અકસ્માતમાં બોલેરો ચાલકને પણ ઇજા પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.