પોરબંદર-રાજકોટ હાઈવે પર કૂતિયાણા નજીક કાર પુલના ડિવાઈડર સાથે અથડાતા 3નાં મોત
- એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગમગની વ્યાપી ગઈ,
- તલાટીની પરીક્ષા આપી પરત ફરતાં કાળ ભેટ્યો,
- 5 વર્ષીય બાળકીનો ચમત્કારિક બચાવ
રાજકોટઃ પોરબંદર-રાજકોટ હાઈવે પર કુતિયાણા નજીક પૂરફાટ ઝડપે જતી કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર બ્રિજના ડિવાઈડ સાથે ધડાકા સાથે અથડાતા કારમાં પ્રવાસ કરી રહેલા એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનામાં પતિ, પત્ની અને સાળા સહિત ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે એક બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. અકસ્માતના પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
રાજકોટ-પોરબંદર હાઈવે પર કૂતિયાણા પાસે ગઈકાલે રાત્રે એક ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોનાં કરુણ મોત નીપજ્યાં હતા. આ ઘટનામાં એક પાંચ વર્ષની બાળકીને ગંભીર ઈજા પહોંચી છે. આ અકસ્માત કુતિયાણા નજીક રાજશક્તિ હોટલ સામે થયો હતો, જ્યારે પરિવાર રાજકોટથી તલાટીની પરીક્ષા આપીને પરત ફરી રહ્યો હતો. મૃતકોમાં માલદેભાઈ ભાયાભાઈ ભૂતિયા ( ઉં.વ 40 ), મનીષાબેન માલદેભાઈ ભૂતિયા (ઉં.વ. 38) અને જયમલભાઈ ઓડેદરા (ઉં.વ. 40)નો સમાવેશ થાય છે. આ દુર્ઘટના રવિવારની રાત્રે બની હતી. પોરબંદરના છાયા વિસ્તારના રહેવાસી અને શિક્ષક તરીકે ફરજ બજાવતા માલદેભાઈ ભાયાભાઈ ભૂતિયા, તેમનાં પત્ની મનીષાબેન ભૂતિયા અને તેમના સાળા જયમલભાઈ ઓડેદરા રાજકોટથી પોતાની કારમાં પરત ફરી રહ્યાં હતાં. કુતિયાણા નજીક રાજશક્તિ હોટલ પાસે તેમની કાર અચાનક એક પુલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ આ ભયાનક અકસ્માતમાં માલદેભાઈ, તેમનાં પત્ની મનીષાબેન અને સાળા જયમલભાઈનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. કારમાં સવાર પાંચ વર્ષની બાળકી નૈતિકા માલદેભાઈ ભૂતિયાનો આબાદ બચાવ થયો છે, પરંતુ તેને ગંભીર ઈજાઓ થઈ હોવાથી તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને કુતિયાણા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા મૃતદેહોને પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. આ સમાચાર મળતાં જ મૃતકનાં પરિવારજનો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યાં હતાં અને તેમના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. માલદેભાઈ શિક્ષક હોવાથી અને આ સુખી પરિવારનો અચાનક માળો વિખેરાઈ જતાં સમગ્ર પોરબંદર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.