વાઘોડિયામાં સ્ટ્રીટ લાઈટ રિપેર કરતા 3 કર્મચારીઓને કરંટ લાગ્યો, એકનું મોત
- વીજ થાભલા પર ચડવા માટેની ઊંચી સીડી હાઈટેન્શન લાઈનના વાયરને અડી ગઈ,
- બે કર્મચારીઓને વીજ કરન્ટથી ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા,
- MGVCLની ટીમ ઘટના સ્થળે પહોંચી વીજ પુરવઠો બંધ કર્યો,
વડોદરાઃ શહેરના વાઘોડિયામાં સ્ટ્રીટ લાઈટ રિપેર કરવાની કામગીરી દરમિયાન થાભલા પર ચડવા માટેની ઊંચી સીડી 11 કેવીની હાઈ-ટેન્શન લાઈનને અડી જતા ત્રણ વીજકર્મીઓને વીજ કરંટ લાગ્યો હતો, જેમાં એક વીજ કર્મચારીનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે વીજકર્મચારીને ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવની જાણ થતાં વાઘોડિયા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના વાઘોડિયાના સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં મેન્ટેનન્સની કામગીરી ચાલી રહી હતી. આ સમયે ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ત્રણ કર્મચારી સ્ટ્રીટ લાઈટ રિપેર કરવાની ઊંચી સીડી લઈને નીકળ્યા હતાં. આ દરમિયાન સ્ટ્રીટ લાઈટ રિપેર કરવાની ઊંચી સીડી 11 કેવીની પસાર થતી લાઈનને અડી ગઈ હતી. જેથી દુર્ઘટના સર્જાઈ હતી. ત્રણ કર્મચારીને કરંટ લાગ્યો હતો, વીજશોક લાગતા 65 વર્ષીય સુખદેવભાઈ મુલાનીને જોરદાર વીજ શોક લાગતા તેઓ નીચે પટકાયા હતાં. દુર્ઘટનામાં સુખદેવભાઈ 80 ટકા જેટલા દાઝી ગયા હતાં. જેથી તેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જ્યાં સુખદેવભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતાં. જ્યારે અન્ય બે કર્મચારીઓ ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
વાઘોડિયા વિસ્તારમાં સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં મેન્ટેનન્સની કામગીરી દરમિયાન ત્રણ વીજકર્મીઓને વીજ શોક લાગતા જાહેર રોડ પર અફરાતફરી સર્જાઈ હતી. ત્યારબાદ MGVCLની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વીજ પુરવઠો બંધ કર્યો હતો. વીજશોક લગતા એક કર્મચારી સળગી જતા રોડ પર પટકાતા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેમનું મોત થયું હતું. આ ઘટનાની જાણ થતા વાઘોડિયા સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં લોકટોળા ઉમટી પડ્યા હતા. આ ઘટનાની જાણ વાઘોડિયા પોલીસને કરતા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને સુખદેવભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.