જૌનપુરમાં બસ અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 3ના મોત, 3 વ્યક્તિ ઘાયલ
લખનૌઃ પ્રયાગરાજ મહાકુંભમાં મૌની અમાવસ્યા પર સ્નાન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને લઈ જતી કાર અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જોય હતો. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. જ્યારે કારમાં ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. ટક્કર એટલી જોરદાર હતી કે કારને ભારે નુકશાન થયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રયાગરાજ મહાકુંભમાં મૌની અમાવસ્યા નિમિત્તે કારમાં છ લોકો સ્નાન કરવા નીકળ્યા હતા. સ્નાન કર્યા પછી, ભક્તો તેમની કારમાં તેમના ઘરે જઈ રહ્યા હતા. સંજય સિંહ કાર ચલાવી રહ્યા હતા. તેમાં તેમનો પરિવાર અને તેમના નજીકના મિત્રનો પરિવાર પણ સામેલ હતો. રાત્રે લગભગ ૧૧ વાગ્યે, કારમાં મુસાફરી કરી રહેલા શ્રદ્ધાળુઓ પ્રયાગરાજથી તેમના ઘરે જવા રવાના થયા હતા. લગભગ ત્રણ વાગ્યે મોટરકાર સથારિયા પોલીસ સ્ટેશન નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે રોડવેઝની બસ સાથે કાર ધડાકાભેર અથડાઈ હતી. બંને વાહન સામ-સામે અથડાયાં હતા.
અકસ્માતને પગલે કારમાં સવાર લોકોની મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી. બધા ઘાયલોને સામુદાયિક આરોગ્ય કેન્દ્ર સથારિયામાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ કાર ચાલક સંજય સિંહ (ઉ.વ 55, રહે. મહારાજગંજ), બિંદુ સિંહ (ઉ.વ. 45, રહે. ગોરખપુર) અને વિમલા દેવી (ઉ.વ. 58, રહે. ગોરખપુર)ને મૃત જાહેર કરાયાં હતા. આ અકસ્માતમાં કારમાં સવાર વિધાવતી (ઉ.વ. 60, રહે. મહારાજગંજ), કિરણ દેવી તિવારી (ઉ.વ 40) અને મહેશ તિવારી (ઉ.વ. 50) ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને ડોક્ટરોએ જિલ્લા હોસ્પિટલમાં રેફર કર્યા છે. અકસ્માત પછી લગભગ કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો.
પોલીસે પરિવારજનોને જાણ કરી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ વિનોદ કુમાર મિશ્રાના જણાવ્યા અનુસાર, રોડવેઝ બસ અને ભક્તોથી ભરેલી કાર વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.