કચ્છમાં 3 અકસ્માતોના બનાવ, બાળકીનું મોત, 7 લોકોને ઈજા
- વડોદરા પાસિંગની કાર રોડ પરથી પલટી જતાં બાળકીનું મોત
- ખાવડા રોડ પર કારે બાઈકને અડફેટે લેતા બાઈકસવારને ગંભીર ઈજા
- નખત્રાણાના દેશલપરમાં પાર્ક કરેલી ટ્રક ચાલુ થઈને મકાનમાં ઘૂસી ગઈ,
ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. છેલ્લા બે દિવસમાં રોડ અકસ્માતના ત્રણ બનાવો બન્યા હતા. જેમાં એક બાળકીનું મૃત્યુ થયું હતુ અને 7 લોકો ઘવાયા હતા. પ્રથમ અકસ્માતનો બનાવ લોરિયા અને વેકરિયા વચ્ચે રણ વિસ્તારમાં બન્યો હતો. વડોદરા પાસિંગની આઈટેન કાર પુરફાટ ઝડપે આવી રહી હતી ત્યારે તેના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાંતા એક બાળકીનું મોત નિપજ્યું હતું જ્યારે 5 પ્રવાસીઓને ઈજાઓ થઈ હતી. જ્યારે બીજો અકસ્માતનો બનાવ ગોરેવાલી નજીક બન્યો હતો. જેમાં સફેદ રણની મુલાકાત લઈ પરત ફરી રહેલી એક કારે બેકાબૂ બનીને બાઈક સવારને હડફેટે લીધો હતો. અકસ્માતમાં કાર ખાડામાં ખાબકી હતી અને બાઈક સવારને ગંભીર ઈજાઓ થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે ત્રીજો અકસ્માતનો બનાવ ભુજ-લખપત હાઈવે પર આવેલી એક ચાની દુકાન પાસે પાર્ક કરેલી નમક ભરેવા જતી ટ્રક અચાનક ચાલુ થઈને નજીકના એક મકાનમાં ઘુસી ગઈ હતી. જોકે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નહોતી.
પ્રથમ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, સવારે 9 વાગ્યાના સુમારે વડોદરા પાસિંગની આઈ-10 કાર લોરીયા-વેકરિયાના રણ વચ્ચે બેકાબૂ બની પલટી ખાઈ ગઈ હતી. કાર એકથી વધુ વખત ગુલાંટ ખાઈ જતાં તેમાં સવાર એક બાળકીનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે અન્ય ચારથી પાંચ મુસાફરોને સામાન્યથી ગંભીર ઈજાઓ થઈ હતી. તમામ ઘાયલોને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઉત્તરાયણની સાંજે બીજો અકસ્માત ગોરેવાલી પાસે નોંધાયો હતો. સફેદ રણની મુલાકાત લઈ પરત ફરી રહેલી એક કારે બેકાબૂ બનીને બાઈક સવારને હડફેટે લીધો હતો. અકસ્માતમાં કાર ખાડામાં ખાબકી હતી અને બાઈક સવારને ગંભીર ઈજાઓ થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. શિયાળા દરમિયાન સફેદ રણની મુલાકાતે આવતા સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતાં ભુજથી 100 કિલોમીટર દૂર આવેલા આ માર્ગ પર અકસ્માતનું જોખમ વધ્યું છે.
અકસ્માતના ત્રીજો બનાવની વિગત એવી છે કે, નખત્રાણા તાલુકાના દેશલપર ગૂંતલી ગામમાં સવારે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. ભુજ-લખપત હાઈવે પર આવેલી એક ચાની દુકાન પાસે પાર્ક કરેલી નમક ભરવા જતી ટ્રક અચાનક ચાલુ થઈને નજીકના એક મકાનમાં ઘુસી ગઈ હતી. સવારે 9 વાગ્યાના સુમારે બનેલી આ ઘટનામાં ટ્રક ચાલક હાજીપીર તરફ નમક ભરવા જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં તે ચા પીવા માટે વાહન રોકીને નીચે ઉતર્યો હતો. આ દરમિયાન ટ્રક અચાનક ચાલુ થઈને ખોડ ભૂંસાનો વેપાર કરતા અદરેમાન લાંઘાના મકાનમાં ઘૂસી ગઈ હતી.