અમદાવાદમાં બે દિવસમાં અકસ્માતના 3 બનાવ, ત્રણના મોત
- સરખેજમાં રોડ સાઈડ પર સુઈ રહેલા વૃદ્ધનું અજાણ્યા વાહનની અડફેટે મોત,
- હાટકેશ્વરમાં બાઈકની અડફેટે રાહદારીનું મોત
- રામોલમાં પીકઅપ વાહને બાઈકને ટક્કર મારતા બાઈકસવારનું મોત
અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં છેલ્લા બે દિવસમાં અકસ્માતના ત્રણ બનાવોમાં ત્રણના મોત નિપજ્યા હતા. જેમાં શહેરના હાટકેશ્વર ચાર રસ્તા પાસેથી રોડ ક્રોસ કરી રહેલા યુવકનુ ટુવ્હીલરની ટક્કરથી મોત નિપજ્યુ હતું. જ્યારે બીજા બનાવમાં ટુવ્હીલર લઈને જઈ રહેલા સિનિયર સિટીઝનનું પિકઅપ વાનની ટક્કરથી મોત નિપજ્યુ હતુ. તેમજ ત્રીજા બનાવમાં ભારતી આશ્રમ પાસે રોડની સાઇડમાં સૂઈ રહેલા સિનિયર સિટીઝનનું અજાણ્યા વાહનની અડફેટે મોત નીપજ્યું હતું.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, શહેરના હાટકેશ્વર વિસ્તારમાં ટુવ્હીલરચાલકે રાહદારી યુવાનને ટક્કર મારતાં મોત નિપજ્યુ હતુ. અમરાઈવાડીમાં રહેતા 39 વર્ષીય અશ્વિન સોલંકી ટોરેન્ટ પાવરમાં મજૂરી કામ કરે છે. ગત 5મીએ સાંજે તેઓ હાટકેશ્વર ચાર રસ્તા પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા તે સમયે ઓવરસ્પીડમાં આવેલા એક ટુવ્હીલરે તેમને ટક્કર મારી હતી. આથી તેઓ રસ્તા પર પટકાતા ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ ટુવ્હીલરચાલક ફરાર થઈ ગયો હતો. બીજી બાજુ આસપાસના લોકો ભેગા થઈને અશ્વિનભાઈને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરાર ટુવ્હીલરચાલક સામે ગુનો નોંધ્યો છે.
અકસ્માતના બીજા બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, શહેરના રામોલમાં ટુવ્હીલરચાલકને પિકઅપ વાને ટક્કર મારતા મોત નિપજ્યુ હતું. શહેરના ખોખરામાં રહેતા 60 વર્ષીય જગદીશભાઈ પંચાલ સોમવારે ટુવ્હીલર લઈ રામોલ જઈ રહ્યા હતા ત્યારે પરિશિખર એસ્ટેટ પાસે ઓવરસ્પીડમાં આવેલી બોલેરો પિકઅપ વાને ટુવ્હીલરને અડફેટે લીધું હતું. જેથી જગદીશભાઈ રસ્તા પર પટકાયા હતા. બીજી બાજુ પિકઅપ વાનનું ટાયર જગદીશભાઈ પર ફળી વળ્યું હોવાથી ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. લોકોએ પિકઅપવાનના ચાલકને પકડી પોલીસને સોંપ્યો હતો. આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે તેની ધરપકડ કરી છે. પૂછપરછ કરતા પીકઅપ વાનચાલકનું નામ લક્ષ્મણલાલ બાંમણિયા (ઉં. વ.39) અને બાંસવાડાનો વતની હોવાનું જણાવ્યું હતું.
અકસ્માતનો ત્રીજો બનાવ સરખેજ વિસ્તારમાં બન્યો હતો, સરખેજમાં રહેતા 75 વર્ષીય ગાંડાભાઈ રાવળ નિવૃત્ત જીવન ગુજારે છે. ગત 5 તારીખે તેઓ મકરબાના રામજી મંદિર ખાતે ભજન સાંભળવા ગયા હતા. ઘરેથી જતી વખતે બે ધાબળા અને ગોદડી પણ સાથે લઈને નીકળ્યા હતા. ભજન પૂર્ણ કરીને ભારતી આશ્રમ પાસે ધોળકાથી સરખેજ રેલવે સ્ટેશન જવાના રોડ પર સાઇડમાં સૂઈ ગયા હતા. ત્યારે રાત્રીના સમયે કોઈ અજાણ્યા વાહનચાલકે તેમની પર વાહન ચઢાવી દીધુ હતું. આથી ગંભીર ઈજાઓના કારણે ગાંડાભાઈનું મોત નીપજ્યું હતું. આ મામલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.