ગુજરાતમાં વરસાદને લીધે 2967 કિમી રસ્તાઓ તૂટી ગયા, રોડ પર 14000થી વધુ ખાડાં પડ્યા
- ઉઘાડ નિકળતા રોડ-રસ્તાના મરામતની કામગીરી હાથ ધરવામાં આવી,
- માઇનોર પેચ વર્કના 51% મેજર વર્કની 40% ટકા કામગીરી પૂર્ણ,
- રોડ પર પડેલા 7000થી વધુ ખાડા પૂરી દેવાયા
ગાંધીનગરઃ ગુજરાતમાં આ વખતે સારો વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં સીઝનનો 50 ટકા વરસાદ પડી ચૂંક્યા છે. જેમાં ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારમાં રોડ-રસ્તાઓ તૂટી ગયાની ફરિયાદો મળી છે. જેમાં 2967 કિ.મી.રસ્તાઓ ખરાબ થઈ ગયાનો સૂત્રોએ દાવો કર્યો છે. જ્યારે રોડ પર 14,169 ખાડાઓ પડી ગયા છે. જેની મરામતની કામગીરી હાથ ધરવામાં આવતા માઇનોર પેચ વર્કની 51% , મેજર પેચ વર્કની 40% અને ખાડા પૂરવાની 62% કામગીરી પૂર્ણ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભારે વરસાદને લીધે ઘણા વિસ્તારોમાં રોડ ધોવાઈ ગયા છે. તેમજ રોડ પર ખાડાં પડ્યા છે. મુખ્યમંત્રીએ રોડ-રસ્તાઓ મરામતની કામગીરી ત્વરિત હાથ ધરવા સુચના આપતા કામગારી હાથ ધરવામાં આવી છે. રાજ્યના 1893 કિ.મી. પર માઇનોર અને 1074 કિ.મી.પર મેજર પેચ વર્ક મળીને કુલ 2967 કિ.મી. પર મરામત કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. સરકારે 957 કિ.મી.એટલે કે 51 ટકા માઈનોર પેચ વર્કની અને 425 કિ.મી. પર મેજર પેચ વર્કની કામગીરી પૂરી કરી છે. અત્યાર સુધીમાં ક્ષતિગ્રસ્ત રસ્તાઓ પર કુલ 14,169 ખાડાઓ પૈકી 8,841 ખાડા પુરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે કોંક્રિટથી પુરવા પડ્યા હોય તેવા 243, પેવર બ્લોકથી પુરવા પડ્યા હોય તેવા 138, મેટલથી પુરવા પડ્યા હોય તેવા 5480 અને ડામરથી પુરવા પડ્યા હોય તેવા 2840 ખાડાઓનો સમાવેશ થાય છે. ભારે વરસાદને કારણે રાજ્યમાં કુલ 183 રસ્તાઓને ડાઇવર્ઝન આપવામાં આવ્યું છે.
સૂત્રોએ કહ્યુ હતું કે, રાજ્ય સરકાર દ્વારા રોડ રસ્તાઓમાં ખાડા પડવા રોડ તૂટી જવા સહિતની ફરિયાદ માટે ગુજમાર્ગ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આ એપ્લિકેશન પર છેલ્લા છ મહિના તો દરમિયાન 3732 ફરિયાદ મળી હતી. આ પૈકી 3,620 ફરિયાદોનો ઉકેલ લાવવામાં આવતા રાજ્ય સરકારે 99.66 ટકા ફરિયાદોનું નિરાકરણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.