પાલનપુર નજીક 29 કિલો ગાંજો અને 4 કિલો અફિણનો જથ્થો પકડાયો
- એસઓજીએ ખેમાણા ટોલનાકા નજીક લકઝરી બસ ચેક કરતા નશીલા પર્દાથો મળ્યા,
- પોલીસ રાજસ્થાનના ત્રણ શખસોની કરી ધરપકડ
- ગુજરાતમાં ગાંજો અને અફિણનો જથ્થો કોને આપવાનો હતો તેની હાથ ધરી તપાસ
પાલનરપુરઃ નેશનલ હાઈવે પર ખેમાણા ટોલનાકા નજીક એસઓજી પોલીસે એક ખાનગી લકઝરી બસને રોકીને ચેકિંગ કરતા બસમાંથી 29 કિલો ગાંજો અને 4 કિલો અફિણનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ત્રણ રાજસ્થાની યુવાનોની અટકાયત કરીને ગાંજા તથા અફિણનો જથ્થો કોને આપવાનો હતો. તેની પૂછતાથ હાથ ધરી છે.
બનાસકાંઠા એસઓજી પોલીસે બાતમીના આધારે નેશનલ હાઈવે પરના ખેમાણા ટોલટેક્સ પાસે એક ખાનગી લક્ઝરી બસમાંથી મોટા પ્રમાણમાં નશીલા પદાર્થો ઝડપ્યા છે. પોલીસે બસમાંથી 29 કિલો 658 ગ્રામ ગાંજો અને 4 કિલો 401 ગ્રામ અફીણનો રસ જપ્ત કર્યો હતો. આ માદક પદાર્થોની કુલ કિંમત રૂ. 7 લાખ 57 હજાર 480 થવા જાય છે. પોલીસે આ મામલે રાજસ્થાનના ત્રણ શખ્સોની અટકાયત કરી છે. પકડાયેલા આરોપીઓમાં રામનિવાસ ખીયારામજી બિષ્નોઇ (રહે. વિષ્ણુનગર વીરાવા સાંચોર), શંભુસિહ ચેલસિહ રાજપૂત (રહે. કોટવાલા સાયલા) અને રૂપકિશોર ચેનારામ બેરડનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત મહીરામ બિસનોઈ અને મોહનજી સિરોહી પણ આ કેસમાં સંડોવાયેલા છે. પોલીસે બસના બે ચાલક અને કંડક્ટર સહિત ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ગાંજાની કિંમત રૂ. 2,96,580 અને અફીણના રસની કિંમત રૂ. 4,40,100 થવા જાય છે. પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે ત્રણેય શખસોની પૂછપરછ હાથ ધરી છે. અફિણ અને ગાંજાનો જથ્થો કોને આપવાનો હતો. અગાઉ પણ નશીલા પદાર્થનો જથ્થો લાવવામાં આવ્યો હતો કે કેમ, તેની માહિતી મેળવવામાં આવી રહી છે.