ડિગ્રી ઈજનેરીની 141 કોલેજોની 60322 બેઠકોના બીજા રાઉન્ડમાં 27590 વિદ્યાર્થીઓેને આવરી લેવાયા
- ગત વર્ષની તુલનાએ 829 વધુ વિદ્યાર્થીઓનો વધુ પ્રવેશ,
- વિદ્યાર્થીઓ સીટ એલોટમેન્ટની વિગતો વેબસાઈટમાં જોઈ શકશે,
- વિદ્યાર્થીઓ ઓનલાઈન ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરી શકશે.
અમદાવાદઃ રાજ્યમાં ડિગ્રી ઈજરનેરી કોલેજોમાં પ્રવેશ માટે બીજા તબક્કાની પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થઈ છે. એસીપીસી (એડમિશન કમિટી ફોર પ્રોફશનલ કોર્સીસ)એ ડિગ્રી ઈજનેરીની કુલ 141 કોલેજોની 60322 બેઠકોના સેકન્ડ રાઉન્ડના એલોટમેન્ટમાં કુલ 27590 વિદ્યાર્થીઓેને આવરી લેવામાં આવ્યા છે, જે ગત વર્ષે બીજા રાઉન્ડમાં કરાયેલા 27671 વિદ્યાર્થીઓના એલોટમેન્ટની તુલનાએ 829 જેટલા વધારે છે. વિદ્યાર્થીઓ આ સીટ એલોટમેન્ટની વિગતો વેબસાઈટમાં જોઈ શકશે અને જે વિદ્યાર્થીઓને સીટ એલોમેન્ટ કરવામાં આવ્યું છે તે વિદ્યાર્થીઓ ઓનલાઈન ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરી શકશે.
સૂત્રોના જણાવ્યા મુજબ એસીપીસીએ બીજા રાઉન્ડ પહેલા 41989 વિદ્યાર્થીઓનો મેરીટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જે પૈકીના 23672 વિદ્યાર્થીઓએ આ પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લીધો હતો, ગયા વર્ષે આ કાર્યવાહીમાં કુલ 22182 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી આ વર્ષે આ રાઉન્ડમાં 27590 વિદ્યાર્થીઓને સીટ એલોટમેન્ટ કરવામાં આવ્યું છે.
એસીપીસીએ નિર્ધારિત કરેલા પ્રવર્તમાન નિયમોનુસાર ત્રણ ઓનલાઈન રાઉન્ડ પછીની પ્રવેશની કાર્યવાહી છઠ્ઠી ઑગસ્ટથી શરૂ થશે, જેનો વિગતવાર કાર્યક્રમ હવે પછીથી જાહેર કરાશે. જ્યારે ગુજકેટ-2025 આપી ન હોય તેવા વિદ્યાર્થીઓ અને અગાઉ રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તેવા વિદ્યાર્થીઓની પ્રવેશની કાર્યવાહી પાંચમી ઑગસ્ટથી શરૂ કરાશે.મૅનેજમેન્ટ સીટની પ્રવેશ કાર્યવાહી અંતર્ગત મેરીટ પર ખાસ કરીને નોન રીપોર્ટીંગ બેઠકો પર પ્રવેશ ફાળવણી કરી શકાય તે હેતુસર રાજ્ય સરકારે ત્રીજો રાઉન્ડ તમામ સરકારી બેઠકો (સરકારી અને સેલ્ફ ફાઈનાન્સ કોલેજોની પ્રવેશ કમિટીની બેઠકો) સાથે 30મી જુલાઈથી શરૂ કરાશે. એઆઈસીટીઈ દ્વારા હાલના તબક્કે પ્રવેશ પ્રક્રિયા 14મી ઓગષ્ટ સુધી નિર્ધારિત કરાઈ છે.