અમદાવાદમાં છેલ્લા 9 મહિનામાં 250 વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા
- રોડ પર પૂરઝડપે વાહન ચલાવીને સ્ટંટ કરતા ચાલકો સામે કાર્યવાહી કરાઈ,
- અકસ્માતમાં નિર્દોષ લોકોના મોત થતાં 110 વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા,
- જોખમી અકસ્માતોને રોકવા RTO દ્વારા કરાતી કડક કાર્યવાહી
અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકભંગના ગુનાઓ વધતા જાય છે. પૂરફાટ ઝડપે અને બેદરકારીથી વાહનો ચલાવવાને લીધે નિર્દોષ લોકોનો ભોગ લેવાય રહ્યો છે. ઉપરાત કેટલાક યુવા વાહનચાલકો રિલ બનાવવાના મોહમાં જાહેર રોડ પર સ્ટંટ કરીને ભય ઊભો કરતા હોય છે. આ ઉપરાંત રોંગ સાઈડમાં વાહનો ચલાવવા, નશો કરેલી હાલતમાં વાહનો ચલાવીને અકસ્માતો સર્જવા જેવા અનેક બનાવો બનતા હોય છે. ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે આરટીઓ દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવે છે. શહેરમાં છેલ્લા 9 મહિનામાં ટ્રાફિકભંગના ગંભીર ગુનામાં 250 વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરના જાહેર રોડ પર કેટલાક યુવા વાહનચાલકો પૂરફાટ વાહનો ચલાવીને સ્ટંટ કરતા હોય છે. શહેરના એસ.જી હાઈ-વે હોય કે રિવરફ્રન્ટ રોડ સહિતના રસ્તાઓ પર જોખમી સ્ટંટ કરતા હોય એવા અનેક વીડિયો વાયરલ થતા હોય છે. તો કેટલાક વાહનચાલકો ટ્રાફિકના નિયમનું પાલન જ કરતા નથી. સ્પીડમાં વાહન ચલાવવું, મોબાઈલ પર વાતચીત કરવી અને હેલ્મેટ કે સીટબેલ્ટ વગર ડ્રાઇવિંગ જેવી બેદરકારી લોકો માટે રોજિંદી થઈ ગઈ છે. જેના કારણે અમદાવાદ શહેરમાં દરરોજ નાના-મોટા અકસ્માતની ઘટના સામે આવી રહી છે. જેના કારણે જ RTO અને ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ પણ ચલાવવામાં આવે છે.
અમદાવાદ આરટીઓ કચેરીના સૂત્રોના કહેવા મુજબ શહેરમાં વધતા જતા અકસ્માતના બનાવો રોકવા આરટીઓ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા 9 મહિનામાં 250 જેટલા લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમાં પણ સૌથી વધુ બેફામ વાહન ચલાવીને અન્ય નિર્દોષ નાગરિકનો જીવ લીધો હોય તેવા કેસમાં 110 જેટલા લાયસન્સ સસ્પેન્ડ કરવાની RTO દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ બીજા સૌથી વધુ ઓવરસ્પીડમાં વાહન ચલાવતા પકડાયા હોય એવા 77 લોકો સામે કાર્યવાહી કરીને તેમના પણ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ત્રણથી વધુ ચલણ આવ્યા હોય તે લોકોના પણ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તમામ કેસમાં ગંભીરતાને ધ્યાને લઈ 6 મહિના કે તેથી વધુ સમય માટે લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અમદાવાદ RTOના સૂત્રોના કહેવા મુજબ જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં અમદાવાદ શહેર-જિલ્લામાં 250 લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. આ લાયસન્સ અલગ-અલગ ગુનામાં રદ કરવામાં આવેલા છે. જેમાં ઓવરસ્પીડ, ફટલ રન, ડ્રંક એન્ડ ડ્રાઈવ સહિતના કેસમાં લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 6 મહિના સુધી લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમજ અત્યારે પણ રોડ સેફ્ટી અંતગર્ત ટ્રાફિક પોલીસ અને RTOની ડ્રાઈવ ચાલી રહી છે. જો તેમાં પણ કોઈ રોંગ સાઇડ ચલાવતા અથવા ઓવરસ્પીડમાં વાહન ચલાવતા કોઈ પકડાશે તો તેનું લાયસન્સ પણ આગામી દિવસમાં સસ્પેન્ડ કરવામાં આવશે