ગુજરાત સરકારના કર્મીઓને 25 લાખ ગ્રેચ્યુઈટી તો ST નિગમના કર્મીઓને કેમ નહીં?
- ગુજરાત સરકારે તેના કર્મચારીઓને 25 લાખ ગ્રેચ્યુઈટી આપવાનો નિર્ણય કર્યો છે,
- એસટી નિગમના ત્રણેય યુનિયનો પણ સરકારને રજુઆત,
- નિર્ણય નહીં લેવાય તો લડત અપાશે
અમદાવાદઃ ગુજરાત સરકારે નિવૃત થતાં તેના કર્મચારીઓને ગ્રેજ્યુઇટી રૂપિયા 25 લાખ આપવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના આ નિર્ણયને આવકારીને એસટી નિગમના કર્મચારીઓએ પણ નિવૃતિ થતાં 25 લાખની ગ્રેચ્યુઈટીને લાભ આપવાની માગણી કરી છે. એસ ટી નિગમના કર્મચારીઓના માન્ય ત્રણ યુનિયનની સંકલન સમિતિ દ્વારા એસ ટી નિગમના વહિવટી સંચાલકના ઉપાધ્યક્ષને રજુઆત કરીને અમલવારી ઝડપી કરવામાં નહી આવે તો ઉગ્ર લડત આપવાનું એલાન કર્યુ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે સરકારી કર્મચારીઓને રીઝવવાની પહેલ શરૂ કરી છે. જેના ભાગરૂપે સરકારી કર્મચારીઓને મળવાપાત્ર ગ્રેજ્યુઇટીની રકમ નિવૃત્તિ બાદ કર્મચારીઓને અગાઉ રૂપિયા 20 લાખની મર્યાદાને વધારીને રૂપિયા 25 લાખની કરવામાં આવી છે. રાજ્ય સરકારના નિર્ણયને પગલે સરકારી હજારો કર્મચારીઓમાં ખૂશી વ્યાપી ગઈ છે. ઉપરાંત કર્મચારીઓના હિતમાં લેવાયેલા નિર્ણયની અમલવારી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા પોતાના કર્મચારીઓને મળવાપાત્ર ગ્રેજ્યુઇટીના નવા નિયમના લાભની અમલવારી ઝડપી કરવામાં આવે તેવો સૂર ઊઠ્યો છે. જોકે સામાન્ય રીતે રાજ્ય સરકારે કરેલા નિયમની અમલવારી એસ ટી નિગમમાં મોડી કરવામાં આવે છે. જેને પરિણામે એસ ટી નિગમના હજારો કર્મચારીઓને આર્થિક રીતે અન્યાય થતો હોય છે. આથી એસ ટી નિગમના કર્મચારીઓ દ્વારા પોતાના લાભ માટે અનેક વખત લેખિત તેમજ મૌખિક રજુઆત કરવામાં આવે ત્યારબાદ એસ ટી નિગમ દ્વારા કર્મચારીઓને રાજ્ય સરકારે જાહેર કરેલા લાભો આપતું હોય છે. આથી આવી પરિસ્થિતિનું પુનરાવર્તન સરકારી કર્મચારીઓને નિવૃત્તિ સમયે કે અવસાન થતાં મળવા પાત્ર ગ્રેજ્યુઇટીના લાભ પણ એસ ટી નિગમના કર્મચારીઓને ઝડપી અમલવારી કરવામાં આવે તેવી માંગણી સાથે એસ ટી નિગમના કર્મચારીઓના ત્રણેય યુનિયનની સંકલન સમિતિ દ્વારા નિગમના વહિવટી સંચાલકના ઉપાધ્યક્ષને લેખિત રજુઆત કરાઇ છે.