'9મી અદાણી અમદાવાદ મેરેથોન' માટે 24,000 દોડવીરો ભાગ લેશે
અમદાવાદઃ 9મી અદાણી અમદાવાદ મેરેથોનનું ભવ્ય આયોજન 30મી નવેમ્બરે થવા જઈ રહ્યું છે. આ ઇવેન્ટમાં 24,000 થી વધુ રનર્સ ઉત્સાહ સાથે ચાર રેસ કેટેગરીમાં ભાગ લેશે. આ મેરેથોન રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્કથી શરૂ થશે. ઇવેન્ટની સફળતા માટે સુરક્ષા, ટ્રાફિક સંકલન અને તબીબી વ્યવસ્થાઓને આખરી ઓપ આપી દેવાયો છે. આ મેરેથોનને એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (AFI) દ્વારા પ્રમાણિત કરવામાં આવી છે અને તે AIMS ગ્લોબલ મેરેથોન ઇવેન્ટ લિસ્ટમાં પણ સ્થાન ધરાવે છે.
મેરેથોનને લીલી ઝંડી આપવા માટે પ્રણવ અદાણી, ડિરેક્ટર, અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL),એર માર્શલ નાગેશ કપૂર, એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, ભારતીય વાયુસેના, મેજર જનરલ ગૌરવ બગ્ગા, જનરલ ઓફિસર કમાન્ડિંગ, ભારતીય સેના, અભિનેત્રી, લેખક અને ફિટનેસ એક્સપર્ટ મંદિરા બેદી હાજર રહેશે. અમદાવાદના સેક્ટર 1 ના એડિશનલ પોલીસ કમિશનર નીરજ કુમાર બડગુજરએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ઇવેન્ટ દરમિયાન ઉચ્ચ કક્ષાની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભારતના સંરક્ષણ દળોને સન્માન આપવા અને 'ઓપરેશન સિંદૂર'માં તેમની બહાદુરીને યાદ કરવા માટે 4,000 થી વધુ સશસ્ત્ર દળોના કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓ તૈનાત રહેશે.
ગુજરાતના ડેપ્યુટી પોલીસ કમિશનર -ટ્રાફિક, ભાવના પટેલએ તબીબી વ્યવસ્થાઓ અંગે જાણકારી આપી હતી. સમગ્ર મેરેથોન રૂટ પર 21 મેડિકલ બૂથ ઊભા કરવામાં આવશે. હોલ્ડિંગ એરિયામાં ક્રિટિકલ-કેર સ્ટેશનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. રૂટ પર 108 એમ્બ્યુલન્સ વિશેષ રીતે તૈનાત રહેશે. તાલીમ પામેલા સ્વયંસેવકો સાથેના વિવિધ હાઇડ્રેશન સેન્ટરો દોડવીરોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખશે. વરિષ્ઠ પોલીસ, ટ્રાફિક અને તબીબી અધિકારીઓએ સંયુક્ત રીતે આ ઇવેન્ટની સફળતા માટેની તેમની તૈયારીઓની સમીક્ષા કરી હતી.