જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ભીષણ આગમાં 22 ઘર બળીને રાખ થયાં, અનેક લોકો બન્યાં બેઘર
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં લાગેલી ભીષણ આગમાં 20 થી વધુ ઘર બળીને રાખ થઈ ગયા હતા, જેના કારણે લગભગ ત્રણ ડઝન પરિવારો બેઘર થઈ ગયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, દક્ષિણ કાશ્મીર જિલ્લાના કાદિપોરા વિસ્તારમાં ગાઝી નાગ ખાતે એક ઘરમાં આગ લાગી અને ઝડપથી નજીકના ઘરોમાં ફેલાઈ ગઈ હતી. આ ગીચ વસ્તીવાળા વિસ્તારમાં આગ દરમિયાન કેટલાક ગેસ સિલિન્ડર ફાટ્યા હતા, જેના કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે પોલીસ, અન્ય સુરક્ષા દળો અને સ્થાનિક લોકોની મદદથી લોકોને સમયસર સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ ઘણા ઘરોમાં આગ લાગી ગઈ હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગ બુઝાવવાની કામગીરી આખી રાત ચાલુ રહી અને ઘણી મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આગ લાગવા પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. અનંતનાગના તહસીલદાર સજ્જાદ અહમદ વાનીએ જણાવ્યું હતું કે આગમાં કુલ 22 ઘર બળીને ખાખ થઈ ગયા હતા, જેના કારણે 37 પરિવારો બેઘર થઈ ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, વહીવટીતંત્ર અસરગ્રસ્ત લોકોને મદદ પૂરી પાડવા તૈયાર છે.
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત અને પુનર્વસન સહાય પૂરી પાડવામાં આવી રહી છે. "અનંતનાગમાં લાગેલી ભીષણ આગમાં અનેક ઘરો બળીને ખાખ થઈ ગયા છે, જેના કારણે ઘણા લોકો બેઘર થઈ ગયા છે. અસરગ્રસ્તોને તાત્કાલિક રાહત અને પુનર્વસન સહાય પૂરી પાડવામાં આવી રહી છે. આ મુશ્કેલ સમયમાં અમે પીડિતોની સાથે ઉભા છીએ."