પાલનપુરમાં એરોમા સર્કલથી પસાર થતાં ભારે વાહનો પર 22 દિવસ પ્રતિબંધ
- ધોરણ 10 અને 12ની પરીક્ષાને લીધે મુકાયો પ્રતિબંધ
- જાહેરનામાનો ભંગ કરનારા વાહનચાલકો દંડાશે
- ત્રણ સ્થળોએ પોલીસ જવાનો ઊભા રહીને ભારે વાહનોને ડાયવર્ટ કરશે,
પાલનપુરઃ શહેરના એરોમા સર્કલ નજીક ભારે વાહનોના સતત ઘોંઘાટને લીધે દોરણ 10 અને 12ના પરીક્ષાર્થીઓને ખલેલ ન પહોંચે તે માટે તેમજ ટ્રાફિકની સમસ્યાથી વિધાર્થીઓને મુશ્કેલીઓ ન પડે તે માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કરીને આવતી કાલે સોમવારથી 22 દિવસ સુધી ભારે વાહનો ઉપર પ્રતિબંધ મુક્યો છે. જ્યાં એરોમા સર્કલે પસાર થતાં ભારે વાહનો અન્ય રૂટ ઉપર ડાયવર્ટ કરાયા છે. જે ત્રણ સ્થળોએ વાહન વ્યવહરાનું નિયમન કરવા માટે પોલીસ દ્વારા એકશન પ્લાન બનાવાયો છે. જેમાં પોલીસ અને હોમગાર્ડના 100 જવાનોની 10 ટીમો રાઉન્ડ ધ કલોક વાહન ચાલકોને રસ્તો બતાવશે.
પાલનપુર શહેરમાંથી નેશનલ હાઈવે પસાર થાય છે. શહેરના એરોમા સર્કલ, હનુમાન ટેકરીએ ટ્રાફિકની સમસ્યા પેચિદી બની છે. દરમિયાન ધોરણ 10 અને 12ના વિધાર્થીઓ ટ્રાફિક જામના કારણે મુશ્કેલીમાં ન મુકાય તે માટે બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા પાલનપુર શહેરમાં એરોમા સર્કલે પસાર થતાં ભારે વાહનો પર 22 દિવસનો પ્રતિબંધ મુકતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે. જેમાં આબુરોડ તરફથી આવતા અને ડીસા તરફ જતાં ભારે વાહનોને ચિત્રાસણીથી ડાયવર્ઝન અપાયું છે. જે વાહનો વાઘરોળ ચોકડીથી ચંડીસર થઇ ડીસા હાઇવે ઉપર જશે. પાલનપુર આરટીઓ ઓવરબ્રીજથી અમદાવાદ તરફ જતાં ભારે વાહનો આર ટી ઓ ઓવરબ્રીજથી ધનિયાણા ચોકડીથી રતનપુર ચોકડી થઇ લાલાવાડા, બનાસડેરી, જગાણા થઇ અમદાવાદ હાઇવે ઉપર જશે. જેનો અમલ કરવા માટે પોલીસ દ્વારા એકશન પ્લાન બનાવાયો છે. આ અંગે તાલુકા પીઆઇ એમ. આર. બારોટે જણાવ્યું હતુ કે, ત્રણ સ્થળોએ વાહન વ્યવહારનું નિયમન કરવા માટે પોલીસ અને હોમગાર્ડના 100 જવાનોની 10 ટીમો રાઉન્ડ ધ કલોક વાહન ચાલકોને રસ્તો બતાવશે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પાલનપુર શહેરના એરોમા સર્કલ આવતા ભારે વાહનોનું નિયમન કરાશે, પોલીસની એક ટીમ ચિત્રાસણીથી એક કિલોમીટર પહેલા દરેક ભારે વાહનને રોકીને બિલ્ટી ચકાસશે અને જેમને કંડલા જવું છે તેવા વાહનોને અંડરપાસના રસ્તે વાળશે.જ્યારે બીજી ટીમ અમદાવાદ તરફ જતાં વાહનોને પાલનપુર આરટીઓ બ્રિજ ફરજિયાત વાળશે. તેમજ પોલીસની ત્રીજી ટીમ પાલનપુર - અંબાજી હાઇવે ઉપર રતનપુર ગામે ઉભી રહેશે. જ્યાંથી વાહન ચાલકોને જગાણા ઓવરબ્રિજ તરફ વાળશે.
પાલનપુર એરોમા સર્કલે ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે અગાઉ પાલનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન સદસ્ય અમૃતભાઇ જોષીએ જે રૂટ અંગે તંત્રનું ધ્યાન દોર્યુ હતુ. તે જ રૂટ વર્તમાન સમયે જાહેરનામામાં લેવાયો છે.