મહારાષ્ટ્રમાં વરસાદ અને પૂરને કારણે ચાર દિવસમાં 21ના મોત
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વરસાદ અને પૂરને કારણે છેલ્લા ચાર દિવસમાં 21 લોકોના મોત થયા છે. મુંબઈ, થાણે, પાલઘર કોકણ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં સતત ચોથા દિવસે પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે.પૂરથી ગંભીર રીતે પ્રભાવિત નાંદેડ જિલ્લામાં જ આઠ લોકોના મોત થયા છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મુંબઈમાં લગભગ 300 મીલીમીટર જેટલો રેકોર્ડ વરસાદ પડ્યો છે, જેના કારણે શહેરમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે.હવામાન એજન્સીએ આજે વિદર્ભ પ્રદેશમાં રેડ એલર્ટ જારી કર્યું છે. સલામતીની ચિંતાઓને ધ્યાનમાં રાખીને, પુણે અને મુંબઈ વચ્ચેની બધી ટ્રેનો આગામી આદેશો સુધી સ્થગિત કરવામાં આવી છે. થાણે અને રાયગઢ જિલ્લાઓએ આજે શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી છે.
પાટણ, જાવલી, મહાબળેશ્વર, વાઈ, સતારા અને કરાડ તાલુકાઓમાં આજે અને આવતીકાલે તમામ પ્રાથમિક શાળાઓ પણ બંધ રહેશે મીઠી નદીએ ભયનું નિશાન પાર કર્યા બાદ લગભગ 350 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.મોડક સાગર ડેમ હાલમાં 98 ટકા ભરાઈ ગયો છે, અને અધિકારીઓએ ચેતવણી આપી છે કે ભારે વરસાદને કારણે આજે ઓવરફ્લો થઈ શકે છે. અધિકારીઓએ સલાહ આપી છે કે વૈતરણા નદીના ડાઉનસ્ટ્રીમ અને તેની નજીકના ગામડાઓ અને રહેવાસીઓ સતર્ક અને સાવધ રહે. કોયના ડેમના છ દરવાજા પણ ખોલવામાં આવ્યા છે, જેનાથી કોયના નદીના તળમાં 93,200 ક્યુસેક પાણી છોડવામાં આવતાં તકેદારીના પગલાં લેવાયા છે.