કાશ્મીરમાં આતંકી હુમલા બાદ દ્વારકાના 21 ટાપુ પર મુકાયો પ્રતિબંધ
- 21 ટાપુઓમાં મોટાભાગના ટાપુ નિર્જન છે
- ટાપુ પર લોકોની અવર-જવર પર પ્રતિબંધ મુકાયો
- મરીન અને કોસ્ટગાર્ડએ પેટ્રોલિંગ સઘન બનાવ્યું
દ્વારકાઃ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આંતકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવભરી સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે સરહદી વિસ્તાર પર પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. અને સમુદ્રી સુરક્ષામાં વધારો કરાયો છે. ત્યારે દ્વારકા જિલ્લાની સમુદ્ર સુરક્ષામાં વધારો કરતો એક મહત્વનો નિર્ણય તંત્ર દ્વારા લેવાયો છે. દ્વારકા જિલ્લાના 23 માંથી 21 ટાપુ પર લોકોની અવરજવરમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ગુજરાતમાં 1600 કિલો મીટરનો દરિયા કિનારો આવેલો છે.. તેમજ અનેકવાર દરિયાઈ વિસ્તારોથી દુશ્મન દેશ પોતાના મનસૂબા પાર પાડતા હોય છે. આવામાં ત્રણ તરફથી સમુદ્ર સીમાથી ઘેરાયેલો દ્વારકા જિલ્લો દેશની સુરક્ષા માટે અતિ મહત્વનો છે. તેથી દેવ ભૂમિ દ્વારકા જિલ્લાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કુલ 23 માંથી 21 ટાપુ પર લોકોને જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હાલ સમુદ્ર સીમામાં મરીન પોલીસ , ફોરેસ્ટ , કોસ્ટ ગાર્ડ સહિતની એજન્સીઓનું સમગ્ર જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ થઈ રહ્યું છે. સમુદ્રમાં જતી તમામ બોટના ડોક્યુમેન્ટનું ચેકીંગ કરાઈ રહ્યું છે. બંદર વિસ્તારમાંથી પસાર થતા તમામ વાહનોનું ચેકીંગ કરાઈ રહ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી, જિલ્લામાં આવેલા નીચે મુજબના 21 ટાપુઓ જેવા કે ખંભાળિયા તાલુકા હકુમત હેઠળના ધાની ઉર્ફે ડની ટાપુ, ગાંધીયોકડો ટાપુ, કાલુભાર ટાપુ, રોઝી ટાપુ, પાનેરો ટાપુ, કલ્યાણપુર હકુમત હેઠળના ગડુ (ગારૂ) ટાપુ, સાનબેલી (શિયાળી) ટાપુ, ખીમરોઘાટ ટાપુ, દ્વારકા હકુમત હેઠળના આશાબાપીર ટાપુ, ભૈદર ટાપુ, ચાંક ટાપુ, ધબધબો (દબદબો) ટાપુ, દીવડી ટાપુ, સામીયાણી ટાપુ, નોરૂ ટાપુ, માન મરૂડી ટાપુ, લેફા મરૂડી ટાપુ, લંધા મરૂડી ટાપુ, કોઠાનું જંગલ ટાપુ, ખારા મીઠા ચુષ્ણા ટાપુ અને કુડચલી ટાપુ ઉપર જે તે ટાપુની મહેસુલી હકુમત ધરાવતા મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ કે તેના ઉપરી અધિકારીની લેખીત પુર્વ મંજુરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકયો છે. દ્વારકા જિલ્લા કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધિ કર્યા મુજબ 29/5/2025 સુધી 21 ટાપુ પર અવર જવર પર પ્રતિબંધ લગાવાયો છે. દ્વારકાનું જગત મંદિર વિશ્વ પ્રખ્યાત છે, તેમજ દ્વારકામાં બ્લ્યૂફ્લેગનો શિવરાજપુર બીચ પણ આવેલો છે. ત્યારે અહી પ્રવાસીઓ બારેમાસ આવે છે. માત્ર મંદિર અને શિવરાજપુર બીચ નહિ, પરંતુ દ્વારકાના ખૂણે ખૂણે આવેલા સુંદર બીચ પણ પ્રવાસીઓમાં હોટ ફેવરિટ છે. ત્યારે આ ટાપુઓ પર જવા પ્રતિબંધ લગાવાયો છે. એક-બે નહિ, દ્વારકાના 21 ટાપુ પર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે.