અમદાવાદમાં એક સપ્તાહમાં આગના 205 બનાવો બન્યા,
- ફાયર બ્રિગેડનો સ્ટાફ દિવાળીના તહેવારોમાં સતત સક્રિય રહ્યો,
- ફટાકડાને લીધે 20 જેટલા મકાનોમાં આગ લાગવાના બનાવો બન્યા,
- ગત વર્ષ કરતા આગના બનાવોમાં ઘટાડો નોંધાયો
અમદાવાદઃ શહેરમાં દિવાળીના તહેવારોમાં ફટાકડાને લીધે આગના બનાવોમાં વધારો થયો હોય છે. આ વખતે છેલ્લા એક સપ્તાહમાં આગ લાગવાના 205 બનાવો બન્યા હતા. જેમાં દિવાળીની રાતે જ આગ લાગ્યાના 80 બનાવો બન્યા હતા. શહેરના ફાયર બ્રિગેડના સ્ટાફ દિવાળીના તહેવારોમાં સતત દોડતો રહ્યો હતો. જોકે શહેરમાં આગના બનાવોમાં ગત વર્ષ કરતા ઘટાડો નોંધાયો છે.
ફાયર બ્રિગેડ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં ફાયરબ્રિગેડને આગ લાગવાના 205 જેટલા કોલ મળ્યા હતા. જેમાં દિવાળીથી લઈ અને બેસતુ વર્ષ એમ ત્રણ દિવસના સૌથી વધુ 164 કોલ મળ્યા હતા. દિવાળીના દિવસે અને રાત્રે સૌથી વધારે 80 જેટલાં નાના-મોટા આગના બનાવો બન્યા હતા. શહેરના મિરઝાપુર વિસ્તારમાં આવેલા કબાડી માર્કેટમાં લાગેલી આગ સૌથી મોટી હતી. જેમાં 20થી વધુ ફાયરબ્રિગેડની ગાડીઓ અને 100 કર્મચારીએ પાંચથી છ કલાકે આગને કાબુમાં લીધી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, દિવાળીના તહેવારો દરમિયાન આગ લાગવાની ઘટનાઓ બનતી હોવાથી ફાયરબ્રિગેડની ટીમોને એલર્ટ મોડ ઉપર રાખવામાં આવતી હોય છે. ચાલુ વર્ષે 2024માં શહેરમાં દિવાળીના દિવસે અને રાત્રે સૌથી વધારે આગ લાગવાના 80 જેટલા કોલ મળ્યા હતા. ખુલ્લા પ્લોટમાં અને કચરામાં આગ લાગવાના સૌથી વધારે બનાવો બન્યા હતા. ફટાકડાના કારણે આગ લાગવાના બનાવો બનતા હોય છે. જેમાં 20 જેટલાં મકાનમાં આગ લાગવાના બનાવો બન્યા હતા. દિવાળીના દિવસે રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં 45 જેટલા આગના બનાવો બન્યા હતા. શહેરના મિરઝાપુર વિસ્તારમાં આવેલા કબાડી માર્કેટમાં સૌથી મોટી આગ ફટાકડાના કારણે લાગી હતી. જેના કારણે અડધું કબાડી માર્કેટ બળીને ખાક થઈ ગયું હતું જોકે ગત વર્ષે એટલે કે, વર્ષ 2023માં દિવાળીના તહેવારોમાં 253 જેટલા આગના બનાવો બન્યા હતા. જો કે ચાલુ વર્ષે 28 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધીમાં 205 આગના કોલ મળ્યા હતા. ચાલુ વર્ષે આગની ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિની પણ ઘટના બની નથી. શાહપુર વિસ્તારમાં પણ ત્રણથી ચાર દુકાનોમાં આગ લાગી હતી. સમગ્ર દિવાળીના તહેવાર દરમિયાન ફાયરબ્રિગેડના વાહનો દોડતાં રહ્યા હતા