અમદાવાદ RTOનું વર્ષ 2024નું સરવૈયુ, 2220 લાયસન્સ સસ્પેન્ડ કરાયા
• જુદા-જુદા ગુનાઓમાં 7 કરોડથી વધુનો દંડ વસૂલાયો
• સૌથી વધુ હેલ્મેટ ન પહેરવાના ગુનામાં દંડાયા
• નિયમોના ભંગ બદલ કુલ 24,318 કેસ નોંધયા
અમદાવાદઃ શહેરમાં ઘણા વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી. દ્વીચક્રી વાહન ચાલકો હેલ્મેટનો નિયમ હોવા છતાં હેલ્મેટ પહેરતા નથી. કારચાલકો સીટબેલ્ટ બાંધતા નથી, ઉપરાંત ગીચ વિસ્તારોમાં પૂર ઝડપે વાહનો ચલાવવા સહિતના ટ્રાફિક ભંગના બનાવો બનતા હોય છે. વર્ષ 2024માં વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું ભાન કરાવવા શહેર પોલીસ અને RTO દ્વારા સંયુક્ત કામગીરી કરીને કડક પગલાં લેવાયા હતા. આ કાર્યવાહીના કારણે વર્ષ 2024માં 2220 જેટલા વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા હતા. જોકે, નવાઈની વાત એ હતી કે, આમાના મોટાભાગના વાહનચાલકો હેલ્મેટ ન પહેરવાના ગુનામાં દંડાયા હતા અને તેના કારણે તેમના લાયસન્સ સસ્પેન્ડ થયા હતા. તદુપરાંત RTOએ ગયા વર્ષે જુદા-જુદા ગુનાઓમાં 7 કરોડથી પણ વધુનો દંડ વસૂલ્યો હતો.
અમદાવાદ આરટીઓના સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષ 2024માં લાયસન્સ સસ્પેન્ડ કરવાની પ્રક્રિયામાં ધરખમ વધારો થયો છે. વિવિધ ગુનાઓ હેઠળ વર્ષ 2021માં 508 વાહનચાલકોના, વર્ષ 2022માં 534 વાહનચાલકોના, વર્ષ 2023માં 777 વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2024માં અમદાવાદ RTO દ્વારા કુલ 2,220 લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા હતા અને તેમાં પણ 1,425 વાહનચાલકોના લાયસન્સ તો હેલ્મેટ પહેર્યા વગર ફરવાના કારણે થયા હતા. RTO દ્વારા લાયસન્સ સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા પૂર્વે જે-તે વ્યક્તિને નોટિસ આપવામાં આવે છે. જો તે વ્યક્તિ નોટિસનો જવાબ સાત દિવસમાં રૂબરૂ આવીને ન આપે તો ત્રણ મહિના માટે તેનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે અને કેટલાક સંજોગોમાં છ મહિના માટે અથવા તો કાયમી ધોરણે લાયસન્સ સસ્પેન્ડ થઈ શકે છે.
RTO અધિકારીના કહેવા મુજબ અગાઉ હેલ્મેટ ન પહેરવા બાબતે લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવતા ન હતા પણ વર્ષ 2024માં ત્રણ વખતથી વધુ હેલ્મેટ પહેર્યા વગર કોઈ વાહન ચાલક પકડાઈ તો તેનું લાઇસન્સ સસ્પેન્ડ કરવાની શરૂઆત કરવામાં આવી છે. ગયા વર્ષે જે 2,220 વાહન ચાલકોના લાયસન્સ રદ થયા હતા તેમાંથી 1,425 વાહન ચાલકો ફક્ત હેલ્મેટ પહેર્યા વગર ટુ-વ્હીલર ચલાવવાના ગુનામાં પકડાયા હતા. આ ઉપરાંત રોંગ સાઈડ ડ્રાઇવિંગના 419 કેસ, ડ્રન્ક એન્ડ ડ્રાઇવના 67 કેસ, ડેન્જરસ ડ્રાઇવિંગના 7 કેસ, ઓવર સ્પીડના 45 કેસ અને અકસ્માતમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય એવા 219 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ થયા હતા. તે સિવાય 38 વાહનચાલકોના અન્ય કેટલાક ટ્રાફિક નિયમોના ભંગ બદલ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, અમદાવાદ RTO દ્વારા વર્ષ 2024માં વિવિધ નિયમોના ભંગ બદલ કુલ 24,318 કેસ નોંધવામાં આવ્યા હતા. જેમાં RTOને 7,16,51,821 રૂપિયાની આવક થઈ હતી. વિવિધ ગુના ના જુદા જુદા કેસ નોંધવામાં આવ્યા હતા જેમાં ઓવરલોડ ના 1,514 કેસ સામે ₹1,65,73,000, ઓડીસીના 2,439 કેસ સામે ₹97,58,000, RUPD/SUPD ના 2,670 કેસ સામે ₹26,70,000, રિફ્લેક્ટર ના 3,607 કેસ સામે ₹36,07,000, લાયસન્સ ના 982 કેસ સામે ₹50,49,000, ઇન્સ્યોરન્સના 1072 કેસ સામે ₹20,56,000, પીયુસી ના 2129 કેસ સામે ₹10,64,500, ઓવર સ્પીડમાં 5653 કેસ સામે ₹1,07,34,000, ફિટનેસ વગરના વાહનોના 907 કેસ સામે ₹36,44,000, પરમીટ વગરના 510 વાહનો સામે ₹ 36,74,500, અન્ય 2,835 કેસ સામે ₹69,40,221 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.