જીટીયુના ડિગ્રી-ડિપ્લોમાના જૂના નાપાસ 20000 વિદ્યાર્થીઓને હવે અંતિમ તક અપાશે
- વિદ્યાર્થીઓ જે વિષયમાં નાપાસ થયા હોય તેની ફરી પરીક્ષા લેવાશે
- GTU દ્વારા વર્ષ 2024માં વિન્ટર અને સમર સેમેસ્ટરમાં બેવાર પરીક્ષાની તક આપી હતી
- UGCના મુજબના નિયત વર્ષોમાં કોર્સ પૂર્ણ ન કરી શકનારા વિદ્યાર્થીઓને અંતિમ તક
અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ડિગ્રી અને ડિપ્લોમાના જુના નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બેકલોગ ક્લિયર કરવા એટલે કે જે વિષયોમાં નાપાસ થયા હોય તે વિષયોની પુનઃપરીક્ષા આપી પાસ થવા માટે ફરીવાર એક અંતિમ તક આપવાનો નિર્ણય કરાયો છે. જીટીયુમાં જુના વિદ્યાર્થીઓની અનેક રજૂઆતો આવી હતી તેથી જીટીયુ દ્વારા ફરી એકવાર અંતિમ તક આપવા નિર્ણય લેવાયો છે. હાલ જીટીયુમાં પ્રથમ બેચથી લઈને અત્યાર સુધીના વિવિધ ડિગ્રી-ડિપ્લોમા કોર્સીસના નાપાસ હોય તેવા જુના 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ છે અને જેઓનું એનરોલમેન્ટ પણ પૂર્ણ થઈ ગયુ છે. હવે આવા વિદ્યાર્થીઓને વધુ એક તક મળશે.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં કોર્સ પૂર્ણ કરવા માટેનો એનરોલમેન્ટ ચાલુ રાખવાનો નિયમ એન પ્લસ 2નો છે, પરંતુ જીટીયુ દ્વારા 21મી નવેમ્બર 2023ના રોજ સર્ક્યુલર કરીને જુના વિદ્યાર્થીઓને કોર્સ પૂર્ણ કરવા-પાસ થઈને ડિગ્રી મેળવવા માટે અંતિમ તક આપવાનો નિર્ણય લેવાયો હતો. જેમાં યુનિવર્સિટી દ્વારા જુના વિદ્યાર્થીઓને વિન્ટર સેમેસ્ટર 2023 અને ત્યારબાદ સમર સેમેસ્ટર 2024ની પરીક્ષામાં એમ બે વખત તક આપવામા આવી હતી. ત્યારબાદ પણ ઘણાં વિદ્યાર્થીઓની રજૂઆતો મળી હતી. અને મોટી સંખ્યામાં જુના નાપાસ વિદ્યાર્થીઓ બાકી રહી ગયા હોય યુનિવર્સિટી દ્વારા વધુ એકવાર અંતિમ તક અપાતા વિન્ટર સેમેસ્ટર-2024ની પરીક્ષામાં બેસવાની તક અપાઈ હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ જીટીયુ દ્વારા 3 વખત વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાનો ચાન્સ અપાઈ ચુક્યો છે. જો કે તેમ છતાં પણ હજુ વર્ષ 2011થી લઈને વર્ષ 2018 સુધીના વર્ષનો વિવિધ ડિગ્રી-ડિપ્લોમા કોર્સીસના લગભગ 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ વિવિધ વિષયોમાં નાપાસ-હોય બેકલોગ હોય હાલ નાપાસ છે, તેઓનું એનરોલમેન્ટ પણ ચાલુ નથી. જેથી આટલી મોટી સંખ્યાને ધ્યાનમાં રાખતા યુનિવર્સિટી વધુ એકવાર અંતિમ તક આપવામા આવી છે. જેથી હવે જે વિદ્યાર્થીઓનું એનરોલેન્ટ પુરુ થઈ ગયુ છે અને બેકલોગ છે તેવા વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે. યુનિવર્સિટીની શરતો મુજબ વિદ્યાર્થીના અગાઉ તમામ સેમેસ્ટર ગ્રાન્ટ થયેલા હોવા જોઈએ અને તમામ સેમેસ્ટરમાં તેણે અભ્યાસ કરેલો હોવો જોઈએ. વિદ્યાર્થીએ હવે પછીની સમર સેમેસ્ટર 2025ની પરીક્ષામાં બેસવા માટે પાંચ હજાર ફી ભરવાની રહેશે. ગત વર્ષે જુના વિદ્યાર્થીઓ માટે 22 હજાર ફોર્મ રીલીઝ થયા હતા.જેમાંથી 3694 ફોર્મ ભરાયા હતા.