સુરેન્દ્રનગરના ગોમટા ગામે જમણવારમાં છાશ પીધા બાદ 200 લોકોને ફુડ પોઈઝનિંગ
- 200 લોકોને ઝાડા-ઊલટી અને પેટમાં દુઃખાવો થતાં હોસ્પિટલ ખસેડાયા,
- આરોગ્ય વિભાગે ફૂડ પોઈઝનિંગના ચોક્કસ કારણની તપાસ શરૂ કરી,
- શંકાસ્પદ છાશના નમૂનાને લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલાયા,
સુરેન્દ્રનગરઃ જિલ્લાના ગોમટા ગામમાં વાસ્તુ પ્રસંગના જમણવાર દરમિયાન ફૂડ પોઈઝનિંગ થતા 200 જેટલા લોકોને હોસ્પિટલ સારવાર માટે ખેડવામાં આવ્યા છે. જમણવારમાં છાશ પીધા બાદ 200થી વધુ લોકોને ઝાડા-ઊલટી અને પેટમાં દૂખાવાની ફરિયાદ કરી હતી. અસરગ્રસ્તોમાં નાના બાળકો, મહિલાઓ અને યુવકોનો સમાવેશ થાય છે. તેમને તાત્કાલિક લીંબડી અને વઢવાણની હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. કેટલાક દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાની જાણ થતાં જ સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ ગોમટા ગામે પહોંચી હતી. આરોગ્ય વિભાગે ફૂડ પોઈઝનિંગના ચોક્કસ કારણની તપાસ શરૂ કરી છે. શંકાસ્પદ છાશના નમૂનાને લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. આ ઘટનાએ સામૂહિક જમણવારમાં પીરસાતા ખોરાકની ગુણવત્તા અને સલામતી અંગે સવાલો ઉભા કર્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
આ અંગે તાલુકા આરોગ્ય અધિકારીના કહેવા મુજબ વઢવાણના ગોમટા ગામે શુભ પ્રસંગના જમણવારમાં 150 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઇ હતી. જેમાં ઝાડા-ઊલટી અને પેટમાં દુ:ખાવાની ફરિયાદ હતી. જેને લઇને અમારી ટીમ તમામ દર્દીઓની તપાસ કરી રહી છે. હાલ તમામ દર્દીઓની સ્થિતિ સારી છે.