કપડવંજ નજીક પીકઅપ વાન પલટી ખાતા 2 શ્રમિકોના મોત, 15ને ઈજા
- કપડવંજના આલમપુરા નજીક સર્જાયો અકસ્માત,
- શ્રમિકોને લઈ જતી પીકઅપ વાનના ચાલકે બ્રેક મારતા વાને પલટી ખાધી,
- તમામ ઈજાગ્રસ્તોને કપડવંજ હોસ્પિટલ ખસેડાયા
નડિયાદઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે કપડવંજ નજીક આલમપુર પાસે હાઈવે પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. મજૂરોને લઈ જતી એક પીકઅપ વાનના ડ્રાઈવરે અચાનક બ્રેક મારતાં વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે પીકઅપ વાન રોડ પર પલટી ખાઈ ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં પીકઅપ વાનમાં સવાર 2 મજૂરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય 15 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે કપડવંજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ બનાવની વિગત એવી છે કે, કપડવંજ નજીક આલમપુર પાસે હાઈવે પર પૂરફાટ ઝડપે જતી પાકઅપ વાનના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા અને એકાએક બ્રેક મારતા પીકઅપ વાને રોડ પર પલટી ખાધી હતી. પીકઅપ વાનમાં બેઠેલા બે શ્રમિકોના મોત નિપજ્યા હતા. જ્યારે 15 જેટલા લોકો ઘવાયા હતા.આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. 108 એમ્બ્યુલન્સ મારફતે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે કપડવંજની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. હજુ સુધી મૃતકોની ચોક્કસ ઓળખ થઈ શકી નથી, જે અંગે પોલીસ તપાસ કરી રહી છે. કપડવંજ પોલીસે આ મામલે ગુનો નોંધીને અકસ્માત કેવી રીતે થયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.